બાળકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે અને જ્ઞાન-વિજ્ઞાનથી એકરૂપ થાય તે માટે ભારત વિકાસ પરિષદ સુરત મેઈન અનોખી પહેલ
ભારત વિકાસ પરિષદ સુરત મેઈન મહિલા પાંખ દ્વારા તાજેતરમાં બાળકોના ગ્રોથ માટે અનોખી પહેલ હાથ ધરી હતી. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળામાં, બાળકોના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોઈંગની બુક અને વિજ્ઞાનની પ્રયોગપોથી તમેજ ગણિતમાં લાભદાયી ગ્રાફપોથીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ ધોરણ 6 થી 8 ના 700 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો. તદુપરાંત પરિષદ દ્વારા “એક બાળ એક વૃક્ષ” કાર્યક્રમના નેજા હેઠળ 25 કુંડા શાળાને આપવામાં આવ્યા બાળકોને હસ્તે પણ વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતુ કે હાલના જમાનામાં વિકાસનું કેન્દ્ર શિક્ષણ બની ગયુ છે. એટલે જે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરશે તેમનું જ ભવિષ્ય ઉજળું રહેશે. અને શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાના પરિવારજનોનું ભરણપોષણ કરી શકશે. એમણે કહ્યું હતું કે શિક્ષક એક શિલ્પકાર છે અને બાળકો એ આરસ છે. જે બાળકો શિલ્પકારરૂપી શિક્ષકોને સાથ અને સહકાર આપે છે તે પૂજનીય મૂર્તિનું સ્વરૂપ ધારણ કરે છે. અને જે બાળકો શિક્ષકને સહકાર નથી આપતા એમની પરિસ્થિતિ નાળિયર ફોડવાના આરસ જેવી બની જાય છે. એટલે બાળકોએ એના શિક્ષકો પાસે સીઘીલીટીનું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની જાતને પ્રગતિના પંથે મૂકવી જોઈએ.
સમારંભમાં કોર્પોરેટર કૃણાલભાઈ શેલરે હાજર રહી વૃક્ષના રોપાઓની વ્યવસ્થા કરી હતી. અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા સંયોજીકા રંજનાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યુ હતું. કાર્યક્ર્મની શરૂઆતમાં સીઆરસી ડોનીકા ટેલર એ આવકાર પ્રવચન આપ્યું હતું. અને આભારવિધિ આચાર્ય નર્મદાબેન પટેલે કરી હતી. કાર્યક્રમમાં વિપુલ જરીવાળા, પ્રધ્યુમન જરીવાળા, હેમા સોલંકી, આરતી સબલપરા એ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન નીનાબેન દેસાઈએ કર્યુ હતું.