ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લાલકૃષ્ણ અડવાણીને એઈમ્સમાંથી રજા આપવામાં આવી, ગત રાત્રે થયા હતા દાખલ

Text To Speech
  • 96 વર્ષીય અડવાણીને બુધવારે રાત્રે તબિયત બગડતાં એઈમ્સના યુરોલોજી વિભાગમાં એડમિટ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 27 જૂન: લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાંથી આજે ગુરુવારે રજા આપવામાં આવી છે. 96 વર્ષીય ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીને બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે તબિયત બગડતાં એઈમ્સના યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે ગુરુવારે લાલકૃષ્ણ અડવાણી એમ્સના ખાનગી વોર્ડમાંથી તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, લાલકૃષ્ણ અડવાણીની હાલત સ્થિર છે. યુરોલોજી, કાર્ડિયોલોજી અને જેરીયાટ્રીક મેડીસીનમાં નિષ્ણાત ડોકટરોની એક વિશેષ ટીમ તેની સંભાળ રાખી રહી હતી. અડવાણીને ઉંમર સંબંધિત અને યુરીન સંબંધિત બીમારીઓને કારણે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી હાલમાં પીએમ મોદીને મળ્યા હતા

તાજેતરમાં, 7 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં રેકોર્ડ ત્રીજી વખત સરકાર રચવાનો દાવો કરતાં પહેલાં લાલકૃષ્ણ અડવાણીને તેમના દિલ્હીના નિવાસસ્થાને મળ્યા હતા. PM મોદીની આ બેઠક NDA સંસદીય દળના નેતા અને લોકસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટાયા પછી તરત જ થઈ હતી.

અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે

ભાજપના વરિષ્ઠ નેતાને આ વર્ષે 30 માર્ચે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. અગાઉ વર્ષ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત રત્નથી સન્માનિત થવાની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “હું ભારત રત્નને સન્માન સાથે સ્વીકારું છું. આ માત્ર મારું જ નથી, તે મારા વિચારો અને સિદ્ધાંતોનું સન્માન છે જેનું અમે જીવનભર પાલન કર્યું છે.”

લાલકૃષ્ણ અડવાણીની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થાય છે. રામમંદિર આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેઓ એવા નેતાઓમાંના એક છે જેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાખ્યો છે. અડવાણીએ તેમની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શરૂ કરી હતી અને ત્રણ વખત ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ: ઉદ્ધવ – ફડણવીસ લિફ્ટમાં એક સાથે? યે દુનિયા વાલે પૂછેંગે, મુલાકાત હુઈ, ક્યા બાત હુઈ?

Back to top button