ભારત ગૌરવ ટ્રેનઃ એક વર્ષમાં 96,000 યાત્રાળુઓએ કરી વિશેષ મુસાફરી
- 2023માં ‘ભારત ગૌરવ’ ટ્રેનોની 172 યાત્રાનો 96,000 થી વધુ પ્રવાસીઓ લાભ લીધો
- ‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં શ્રી રામ-જાનકી યાત્રા જેવી મોટી ટૂરિસ્ટ સર્કિટને આવરી લેવામાં આવી છે
- અયોધ્યાથી જનકપુર; શ્રી જગન્નાથ યાત્રા; “ગરવી ગુજરાત” પ્રવાસ; આંબેડકર સર્કિટ; ઉત્તર પૂર્વ પ્રવાસ વગેરે પણ સામેલ
નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2024: ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ‘ પ્રવાસી ટ્રેનના બૅનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો પ્રારંભ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે.
આ વિશેષ સેવા હેઠળ વર્ષ 2023 દરમિયાન કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી, જે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા દેશભરના વિવિધ પર્યટન સ્થળોને આવરી લે છે. ભારત ગૌરવ ટ્રેનોની આ વિશિષ્ટ પહેલમાં એક વર્ષમાં 96,491 યાત્રાળુઓએ લાભ લીધો હતો. આ ટ્રેનોમાં શ્રી રામ-જાનકી યાત્રા અયોધ્યાથી જનકપુર જેવી મોટી ટૂરિસ્ટ સર્કિટ ઉપરાંત શ્રી જગન્નાથ યાત્રા; “ગરવી ગુજરાત” પ્રવાસ; આંબેડકર સર્કિટ; નોર્થ ઇસ્ટ ટૂરને આવરી લેવામાં આવી છે.
આ ટ્રેનોમાં હાથ ધરવામાં આવતી મુસાફરીને સર્વગ્રાહી ટૂર પેકેજના રૂપમાં ઑફર કરવામાં આવે છે, જેમાં ઑફ-બોર્ડ મુસાફરી અને બસો દ્વારા પર્યટન, હોટલોમાં રોકાણ, ટૂર ગાઇડ્સ, ભોજન, મુસાફરી વીમો વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આરામદાયક ટ્રેન મુસાફરી અને આનુષંગિક ઓનબોર્ડ સેવાઓ આપવામાં આવે છે.
રેલવે મંત્રાલયે ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ વધુ સારી ગુણવત્તા ધરાવતા કોચ સાથે રેલવે આધારિત પ્રવાસનની જોગવાઈ મારફતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ ને પણ અનુરૂપ છે. વધુ વિગતો માટે, આ વેબસાઈટની મુલાકાત લઈ શકાયઃ https://www.irctctourism.com/bharatgaurav.
આ પણ વાંચોઃ કૈલાશ ખેરનું મનમોહક ગીત ‘રામ કા ધામ’ રિલીઝ, જુઓ વિડીયો