ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતીય ખેલાડીઓએ વધુ બે સુવર્ણ ચંદ્રક જીતી લઇને દેશનું માન વધાર્યું હતું. આજે શનિવારે સાતમા દિવસે મિક્સ ડબલ્સ ટેનિસમાં તેમજ મેન્સ ટીમ ઇવેન્ટ સ્ક્વૉશમાં ભારતે સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. આ સાથે શનિવારે બપોર સુધીમાં 10 સુવર્ણ, 13 રજત અને 13 કાંસ્ય મળીને કુલ 36 ચંદ્રકો સાથે મેડલ ટેલીમાં ચોથા ક્રમે ભારતનો દબદબો યથાવત રહ્યો હતો.
હેંગઝોઉ ખાતે મિક્સ ડબલ્સ ટેનિસમાં ભારતના રોહન બોપન્ના તથા ઋતુજા ભોસલેએ ચીની ખેલાડીઓને હરાવીને સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો.
એ જ રીતે મેન્સ ટીમ સ્ક્વૉશ ઇવેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાની ટીમને 2-1 થી હરાવીને સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. ભારતીય સ્ક્વૉશ ખેલાડીઓ સૌરવ ઘોષલ, અભયસિંહ તથા મહેશ મંગાંવકરની ટીમે પાકિસ્તાની ટીમને હરાવી આ સિદ્ધિ હાંસલ કરી હતી.
જોકે, મિક્સ ટીમ ઇવેન્ટ શૂટિંગ ફાઇનલમાં ભારતીય ટીમ ચીનની ટીમ સામે જરાક માટે હારી જતાં રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2023: શૂટિંગમાં ભારતનો ડંકો, સરબજોત સિંહ અને દિવ્યાની જોડીએ સિલ્વર મેડલ જીત્યો