ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના નવા CM તરીકે ભજનલાલ શર્મા આજે લેશે શપથ, PM રહેશે ઉપસ્થિત

  • દિયાબેન કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી તરીકે લેશે શપથ
  • PM મોદી, ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ આપશે હાજરી

જયપુર, 15 ડિસેમ્બર : રાજસ્થાનના જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા શપથ લેશે તેમજ દિયાબેન કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના મોટા નેતાઓ પણ હાજરી આપશે.

રાજ્યપાલ કલરાજ મિશ્રા શપથ લેવડાવશે

મળતી માહિતી મુજબ, ભજનલાલ શર્મા બપોરે 12 વાગ્યે સીએમ પદના શપથ લેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. તેમજ દિયાબેન કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે.

પાર્ટીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ સમારોહમાં વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, UPના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાંય પણ ભાગ લઈ શકે છે. સમારોહ પહેલા રાજધાનીના મુખ્ય માર્ગો અને પ્રવેશ માર્ગોને શણગારવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને લગતા પોસ્ટર અને બેનરો સહિત ભાજપના ઝંડા અને હોર્ડિંગ કટઆઉટ પણ લગાવવામાં આવ્યા છે.

ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્મા નેતા તરીકે ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, મંગળવારે બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી જેમાં ભજનલાલ શર્માને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પાર્ટી વતી ધારાસભ્યો દિયાબેન કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે અને વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 200માંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી છે. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જ્યાં હવે 5 જાન્યુઆરીએ મતદાન થશે.

ભજનલાલ શર્મા પહેલીવાર બન્યા ધારાસભ્ય

રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ભજનલાલ શર્મા રાજસ્થાનની સાંગાનેર વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમના પ્રદેશ મહાસચિવનું પદ પણ સંભાળી રહ્યા હતા. 56 વર્ષીય ભજનલાલ શર્મા, જેઓ ભરતપુરના રહેવાસી છે, તેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. ખાસ વાત એ છે કે તેઓ 2023માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે.

આ પણ જુઓ :છત્તીસગઢના CM તરીકે વિષ્ણુ દેવ સાયે લીધા શપથ, અરુણ સાઓ-વિજય શર્મા બન્યા DyCM

Back to top button