ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના નવા મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા, જાણો તેમની પ્રોફાઈલ

  • સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભજનલાલ શર્માનું નામ રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે જાહેર

રાજસ્થાન, 12 ડિસેમ્બર: રાજસ્થાન સહિત સમગ્ર દેશના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે નામ આજે સામે આવ્યું છે. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ભારતીય જનતા પાર્ટીએ ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ત્યારપછીથી વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત વિવિધ નેતાઓને સીએમ પદની રેસમાં ગણવામાં આવી રહ્યાં હતાં. જો કે આ તમામને હરાવીને સીએમ પદ માટે ભજનલાલ શર્માનું નામ ફાઈનલ થઈ ગયું છે.

 

પહેલી વાર ધારાસભ્ય અને સીધા મુખ્યપ્રધાન

ભજનલાલ શર્મા રાજસ્થાનની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમના રાજ્ય મહાસચિવનું પદ પણ સંભાળી રહ્યા હતા. 56 વર્ષીય ભજનલાલ શર્મા, જેઓ ભરતપુરના રહેવાસી છે, તેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. ખાસ વાત એ છે કે તેઓ 2023માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, જ્યારે પહેલી વાર જ ધારાસભ્ય બન્યા હોવા છતાં ભાજપે તેમને મુખ્યપ્રધાનનું પદ આપવામાં આવ્યું છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે.

ભજનલાલ શર્માને કેમ સીએમ પદ મળ્યું ?

રાજસ્થાનમાં ભાજપે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ રાજ્યમાં બ્રાહ્મણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. આંકડા મુજબ રાજસ્થાનમાં 89 ટકા હિંદુ વસ્તી છે. આમાં અનુસૂચિત જાતિની વસ્તી 18 ટકા છે જ્યારે અનુસૂચિત જનજાતિની વસ્તી લગભગ 13 ટકા છે. બ્રાહ્મણોની વસ્તી લગભગ સાત ટકા છે. આવી સ્થિતિમાં ભાજપે ભજનલાલ શર્માને આગળ કરીને બ્રાહ્મણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. પોતાના મજબૂત મતદારો પર પોતાની પકડ જાળવી રાખવા ભાજપે બ્રાહ્મણ ચહેરાને આગળ ધપાવ્યો છે.

જયપુરમાં રાજનાથ સિંહના નેતૃત્વમાં ત્રણ નિરીક્ષકો દ્વારા વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યોએ ભજનલાલ શર્માને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર વસુંધરા રાજએ પોતે નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વસુંધરાની વિદાય

ભજનલાલ શર્માના નામની મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત બાદ હવે વસુંધરા રાજેના સીએમ બનવાની ચાલી રહેલી અટકળો પર બ્રેક આવી ગયી છે. વસુંધરા રાજ બે વખત રાજ્યના સીએમ પદ સંભાળી ચૂક્યાં છે. ભાજપ દ્વારા પહેલાથી જ સંકેત આપવામાં આવ્યા હતા કે પાર્ટી સીએમ પદની કમાન નવા ચહેરાને સોંપી શકે છે. આ કારણોસર વસુંધરા આ વખતે સીએમ નહીં બને તે નિશ્ચિત માનવામાં આવતું હતું.

આ પણ વાંચો: સવારે ઉઠતા જ અનુભવો આ લક્ષણો, તો એ છે હાર્ટ એટેકની નિશાની

Back to top button