ગુજરાતધર્મફોટો સ્ટોરી

જામનગરમાં ભાગવત સપ્તાહ:’માનવીના માનસિક ઉકળાટને ધાર્મિક કાર્યક્રમો શાંત કરે છે’

Text To Speech

જામનગર: ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજિત ભાગવત કથા પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં વ્યસ્ત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને કથાના માધ્યમથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતી સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સરકાર PM મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવી સુધી દરેક યોજનાઓ કઈ રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકાર પ્રજાની સાથે રહી નાનામાં નાની મુશ્કેલીમાં પણ હરહંમેશ મદદરૂપ થવા તૈયાર છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય, પાણી, મકાન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રીએ વ્યાસપીઠ પર બિરાજેલ પૂજ્ય રમેશભાઇ ઓઝા પાસેથી આશીર્વચન ગ્રહણ કર્યા હતા તેમજ સ્થાનિક આગેવાનો તથા આયોજકોએ મુખ્યમંત્રીનુ પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિન્હ એનાયત કરીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે શ્રી વલ્લભ બાવા, શ્રી શેરનાથ બાપુ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતુ.

મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત પૂજ્ય શેરનાથજી બાપુ, જામનગર મોટી હવેલીના વલ્લભ બાવાશ્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પરમાર, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષ પરમાર સહિત બહોળી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત સૌ ભાવિકોએ કથાનું શ્રવણ કરી સંતોના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી

Back to top button