ભાદરવી પૂનમ મહામેળાને લઈ અંબાજીના માર્ગો પર નડતરરૂપ વૃક્ષો દૂર કરવાનું કામ પૂરજોશમાં
પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024, આગામી તારીખ ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો યોજાઇ રહ્યો છે. જેના ભાગરૂપે મેળાના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મેળાની વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતાના અભિગમ સાથે અંબાજી યાત્રાધામની પવિત્રતા જળવાઈ રહે એવા અભિગમ સાથે મેળો યોજાઇ રહ્યો છે.
અંબાજી આવતા લાખો માઈભક્તોને અંબાજી નગરમાં તેમજ અંબાજી આવવાના માર્ગ ઉપર સ્વચ્છતાનો અહેસાસ થાય એ માટે અંબાજી ગ્રામ પંચાયત, દાંતા તાલુકા પંચાયત, દાંતા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અંબાજી આવવાના માર્ગો પર ગંદકી કચરો ન દેખાય એ માટે સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે અંબાજી આવવાના માર્ગો પર વરસાદી માહોલમાં ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા, નડતરરૂપ વૃક્ષો હટાવવાની કામગીરી સાથે રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેસીબી મશીન અને ટ્રેકટર દ્વારા સફાઈ અભિયાનની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: અંબાજી મંદિરનું સ્થાન 1200 વર્ષ જેટલું પુરાણું, જાણો આ શકિતપીઠનું મહાત્મ્ય