પોપટ પાળતા ચેતજો: કોરોના બાદ ‘પેરટ ફીવર’નો કહેર, WHOનું એલર્ટ
- ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- WHO દ્વારા તમામ લોકોને આ ચેપી રોગના ભય અંગે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી
નવી દિલ્હી, 12 માર્ચ: સમગ્ર દુનિયાને કોરોનાના જોખમથી હજુ સંપૂર્ણ રીતે રાહત પણ નથી મળી ત્યાં હવે યુરોપીયન દેશોમાં હાલમાં વધુ એક ચેપી રોગ તબાહી મચાવી રહ્યો છે. આ રોગનું કારણ પોપટ હોવાનું માનવામાં આવે છે. જો કે આ વખતે આ બીમારીનું કારણ ચામાચીડિયા નથી. તાજેતરના રીપોર્ટ મુજબ, યુરોપના અનેક દેશોમાં ‘પેરટ ફીવર’નો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આ ગંભીર બીમારીના કારણે ૫ લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. આ બીમારીનો શિકાર બનેલા ડેનમાર્કમાં ૪ અને નેધરલેન્ડમાં ૧ વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વીડનમાં ડઝનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ લોકોને આ ચેપી રોગના ભય અંગે સતર્ક રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
વિશ્વભરમાં છેલ્લા ૪ વર્ષ કરતા વધુ સમયથી કોરોનાનું જોખમ યથાવત છે. આ મહામારીએ સ્વાસ્થ્યને અનેક પ્રકારનું નુકશાન પહોંચાડ્યુ છે. વેક્સિનેશન અને હર્ડ ઈમ્યુનિટિના કારણે કોરોનાના ગંભીર રોગનું જોખમ હવે ઘણી હદ સુધી ઘટી ગયું છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને આ ચેપી રોગ અંગે સાવચેતી રાખવાની સલાહ આપે છે.
યુરોપમાં ફેલાયેલો આ ચેપી રોગ ‘પેરટ ફીવર’એ શું છે ?
પેરટ ફીવરને સિટાકોસીસ(Psittacosis) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક દુર્લભ પરંતુ સંભવિત ગંભીર બેક્ટેરિયલ ચેપ છે જે ક્લેમીડિયા સિટાસી(Chlamydia psittaci) નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ ચેપ મુખ્યત્વે પક્ષીઓ અને તેમાં પણ ખાસ કરીને પોપટ, કબૂતર અને મરઘીઓને અસર કરે છે. આવા ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્કમાં આવવાથી મનુષ્યને પણ આ ચેપનું જોખમ રહેલું છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડેટા અનુસાર, 2010થી યુનાઇટેડ સ્ટેટ્સમાં દર વર્ષે પેરટ ફીવરના 10 માંથી 1 કેસ નોંધાયા છે. જો કે, ઘણા કિસ્સાઓ શોધી શકાતા નથી અથવા નોંધાતા નથી કારણ કે તેમના લક્ષણો અન્ય રોગો જેવા જ હોય છે.
આ પણ જુઓ: ડાયાબિટીસના દર્દીઓને સવારમાં બ્લડ સુગર વધી જાય છે? તો નાસ્તામાં આ વસ્તુઓ ખાવાથી તરત જ રાહત મળશે