અમદાવાદમાં રોડ પર વાહન દ્વારા ઓવરસ્પીડિંગ કરતા સાવધાન, 730 કેસ નોંધાયા
- ઓવરસ્પીડિંગના 730 કેસ કરી 14.60 લાખ દંડ વસુલ્યો
- ચેકિંગની ઝુંબેશ ચાલુ હોવાથી કેસની સંખ્યા વધશે
- વીમો રિન્યુ ન કરાવનાર 250 લોકો ઝપેટમાં આવી ગયા
અમદાવાદમાં રોડ પર વાહન દ્વારા ઓવરસ્પીડિંગ કરતા સાવધાન રહેજો. જેમાં શહેરમાં 35 દિવસમાં ઓવરસ્પીડિંગના 730 કેસ નોંધાયા છે. તેમજ રૂપિયા 14.60 લાખનો દંડ વસૂલાયો છે. સુભાષબ્રિજ આરટીઓએ છેલ્લા 35 દિવસમાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ એક દિવસના 2.85 લાખની રકમ પ્રમાણે એક કરોડનો દંડ વાહનચાલકો પાસેથી વસૂલ્યો છે, જેમાં ઓવરસ્પીડિંગના 730 કેસ કરી 14.60 લાખ દંડ વસુલ્યો છે. જ્યારે વસ્ત્રાલ એઆરટીઓએ 650 કેસ કરી 28 લાખ દંડ વસુલ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘો
ચેકિંગની ઝુંબેશ ચાલુ હોવાથી કેસની સંખ્યા વધશે
હાલમાં પણ ચેકિંગની ઝુંબેશ ચાલુ હોવાથી કેસની સંખ્યા વધશે. આરટીઓ દ્વારા દિવસમાં બે વાર ચેકિંગની કામગીરી કરાય છે. છેલ્લા એક મહિનાથી આ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદમાં રેન્ડમલી ચેકિંગ કરાઇ રહ્યું છે. ઓવરસ્પીડિંગમાં લાઇસન્સ સસ્પેન્ડ થવાની સંખ્યા વધી રહી હોવા છતાં હજી પણ કેટલાક નબીરાઓથી લઈ ભારે કોમર્શિયલ વાહનો પણ આડેધડ વાહનો હંકારે છે. આવા લોકો સામે ગુનો ભંગ કરવા બદલ કેસ કરાયા છે. હાઇકોર્ટની ફટકાર બાદ આરટીઓ કચેરી હરકતમાં આવી ગયું છે અને 35 દિવસની કામગીરીમાં રોજ સરેરાશ 102 કેસ કરાય છે.
વીમો રિન્યુ ન કરાવનાર 250 લોકો ઝપેટમાં આવી ગયા
વીમો રિન્યુ ન કરાવનાર 250 લોકો ઝપેટમાં આવી ગયા છે. જ્યારે પરમિટની ઓનલાઇન સુવિધા હોવા છતાં 155 લોકો પરમિટ વગર વાહન ચલાવતા પકડાયા છે. એક પણ વાહન ડિટેઇન કરાયું નથી. તમામને મેમો આપી દંડ વસૂલાયો છે. બીજી તરફ સ્કૂલવર્ધીના એક હજારથી વધુ વાહનોએ આરટીઓમાંથી પરમિટ અને ફિટનેસની કામગીરી કરાવી લીધી છે. આરટીઓના મતે સ્કૂલવર્ધીના ત્રણ હજાર વાહનો છે, જેમાં આરટીઓના નિયમનું પાલન નહીં થતું હોય તેવા સ્કૂલવર્ધીના વાહનો ડિટેઇન કરાશે.