- ગુજરાતમાં ધો.10માં 9 લાખ અને ધો.12માં 6.21 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રો પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીના ટ્રેકિંગની વ્યવસ્થા
ગાંધીનગર, 5 માર્ચ 2024, સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ 10માં 9.17 લાખ તથા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 6.21 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત 31 માર્ચે ગુજકેટની પરીક્ષામાં 1.37 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપશે.11 થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત ઠરેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરાઈ છે.
વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી
બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોશિયલ મિડિયામાં ગેરમાર્ગે દેરવાના સમાચારો ફેલાવવામાં આવે છે.તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવી.
બે લાખ સુધીનો દંડ અથવા પાંચ વર્ષ સુધીની કેદ
તેમણે કહ્યું હતું કે, મહાનગર પાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા બે લાખ સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃવિદ્યાર્થીઓ સાવધાન! અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં 349 સ્થળો પર CCTVથી નજર રખાશે