હાલ દેશભરમાં ઠંડીની શિત લહેર ચાલી રહી છે ત્યારે ગુજરાત સહિતના પશ્ચિમ દરિયા તટના રાજયો પર હજી પણ પવન સાથે કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કચ્છ અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવી છે. જો કે મંગળવારે 11 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું હતુ. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી વધી શકે છે. જ્યારે આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટી પણ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ, 635 વ્યાજખોરો પકડાયા, 622 FIR નોંધાઈ
રાજ્યમાં હાલમાં પવનની દિશા સતત બદલાય રહી છે ત્યારે તેની સાથે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે, જાન્યુઆરી મહિનામાંમાં કોલ્ડવેવની ફ્રિકવન્સી વધી રહી છે. પરંતુ ચાલુ વર્ષ નલિયાના તાપમાને રેકોર્ડ તોડી દીધો છે. કડકડતી ઠંડીનો અહેસાસ નલિયાના લોકો કરી રહ્યા છે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.
આ તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી અનુભવાશે. આ દરમિયાન વાદળોના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળશે.
મંગળવારનું રાજ્યમાં તાપમાન
મંગળવારે રાજ્યના ઘણાં શહેરોમાં તાપમાન નીચું સાથે પવન જોવા મળ્યો છે, વડોદરામાં 12.2, સુરતમાં 13.4 ડિગ્રી, ભુજમાં 11.4, રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન જ્યારે અમદાવાદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે રાજ્યમાં નલિયા 5.6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી જગ્યા રહી હતી. મંગળવારે 11 શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસમાં ઠંડી ઘટતી જોવા મળી શકે છે.