વેસ્ટમાંથી બેસ્ટ : જૂના જિન્સમાંથી બેગ બનાવી જરૂરિયાદમંદ વિદ્યાર્થીઓને અપાઇ
- રક્ષક ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને બેગનું વિતરણ
- 20 હજારથી વધુ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે
- બેગ બનાવવા માટે બેકરી સંચાલકની મદદ લીધી
સુરત શહેરના રક્ષક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને સહાય થકી માનવતા મહેકાવાનો પ્રયાસ થયો છે. ટ્રસ્ટ દ્વારા વિસ્તારમાં પુસ્તક, નોટબુક સાથે બેગનું વિતરણ કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રોગચાળો વધ્યો, મરણાંક 35 થયો
જૂના જિન્સ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ
ખાસ વાત એ છે કે, લોકો દ્વારા ફેંકી દેવાતા જૂના જિન્સ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ પણ કરાઇ રહ્યો છે. સેવાકીય અભિગમ સાથે જ આશરે 20 હજાર બેગ બનાવી તેનું બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું છે. રક્ષક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં સોનગઢ, વ્યારા, આહવા, ડાંગ સહિતના વિસ્તારોમાં એજ્યુકેશન અને આરોગ્ય સંબંધિત કામગીરી કરવામાં આવે છે. મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જયાં લોકોને પ્રાથમિક સુવિધાની ખાસ જરૂરત છે, પરંતુ તેઓ અત્યાર સુધી મુખ્યધારામાં જોડાઇ શક્યા નથી તેવા વિસ્તારોમાં જનહિત માટેની કામગીરી કરવામાં આવે છે.
બેગ બનાવવા માટે તેમણે શહેરની બેકરી સંચાલકની મદદ લીધી
ટ્રસ્ટના મહામંત્રી જયેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રમુખ ગૌરવ પટેલ સહિત સમગ્ર ટીમ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને મળી અને તેમની સ્કૂલ અથવા વિસ્તારોમાં જઇ તેમને બેગ સહિતની મદદ કરવામાં આવે છે. બેગ બનાવવા માટે તેમણે શહેરની બેકરી સંચાલકની મદદ લીધી છે. ત્યાં આવતા લોકોને જો તેઓ પાસે જૂની જિન્સ પેટ ઉપયોગ વગરની પડી હોય તો ફેંકવાની જગ્યાએ બેકરી પર જમા કરવા માટે અપીલ કરવામાં આવે છે.
આ રીતે લોકો પાસેથી મળેલી જિન્સનો ઉપયોગ તેઓ બેગ બનાવવા માટે કરે છે. બેગ બનાવવા માટે તેમની પાસે સ્ટીચ કરનારી બહેનો પણ છે કે જેઓ જિન્સનો મહત્તમ ઉપયોગ કરી જિન્સમાંથી મજબૂત બેગ બનાવે છે. આ બેગ મજબૂત હોવાથી અન્ય બેગોની જેમ છ મહિના કે થોડા સમયમાં જ ફાટી નથી જતી. હાલ બેગ વિતરણનો એક રાઉન્ડ સમાપ્ત થયો છે અને સપ્ટેમ્બર મહિનામાં ફરીથી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે.