મસ્ક પાસેથી છીનવાયો નંબર-1 ના ધનિકનો તાજ, બર્નાર્ડ આર્નોલ્ટ બન્યા સૌથી અમીર વ્યક્તિ
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં એલોન મસ્કને મોટું નુકસાન થયું છે. તેની સંપત્તિ ઘટીને 181.3 અબજ ડોલર પર આવીને અટકી ગઈ છે. એવું લાગે છે કે એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે ટ્વિટર અને તેની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરમાં સતત ઘટાડો થયો છે અને હવે એલોન મસ્ક પાસેથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવાય ગયો છે.
આ પણ વાંચો : ફરી શરુ થઈ બ્લુ ટિક સર્વિસ : જાણો યુઝર્સને કેટલો ચૂકવવો પડશે ચાર્જ ?
બર્નાર્ડ આર્નોલ્ટ બન્યો સૌથી અમીર, મસ્ક પાસેથી છીનવાયો તાજ
ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદી અનુસાર, એલોન મસ્ક હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી. તેમનું સ્થાન હવે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટે લીધું છે. બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમેલી હવે આ યાદીમાં ટોચ પર આવી ગયા છે. ફોર્બ્સ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમેલીની સંપત્તિ $186.9 બિલિયન છે. તે જ સમયે, બીજા સ્થાને સરકી ગયેલા એલોન મસ્કની સંપત્તિ ઘટીને 181.3 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી ત્રીજા સ્થાને યથાવત છે. તેમની સંપત્તિ 134.5 અબજ ડોલર છે.
ગૌતમ અદાણી જલ્દી આવી શકે છે બધાથી આગળ
ઇલોન મસ્કની સંપત્તિમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે, તે જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં ગૌતમ અદાણીથી પાછળ રહી જશે. કારણ કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે મસ્ક અને અદાણીની સંપત્તિમાં વધારે અંતર નથી. અદાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યું છે. અદાણી ગ્રૂપ એ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમોડિટી, પોર્ટ, સોલાર, એગ્રીકલ્ચર અને મીડિયા સહિતના અનેક ક્ષેત્રોમાં પોતાનો બિઝનેસ ફેલાવી રહ્યું છે. આ યાદીમાં ગૌતમ અદાણી પછી જેફ બેઝોસ ચોથા નંબરે છે. બેઝોસ એમેઝોનના સ્થાપક છે. તેમની કુલ સંપત્તિ 113.8 બિલિયન ડોલર છે. બેઝોસ પછી વોરેન બફે અને બિલ ગેટ્સનો નંબર આવે છે.
મુકેશ અંબાણી આઠમા સ્થાને
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હાલમાં ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદીમાં આઠમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ $92.8 બિલિયન છે. અંબાણી લાંબા સમય સુધી ભારતના સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ હવે ગૌતમ અદાણીએ તેમને પાછળ છોડી દીધા છે.
ટેસ્લાના શેરની કિંમત સતત ઘટી રહી છે
મસ્કની સંપત્તિમાં ઘટાડો થવા પાછળનું કારણ તેની કંપનીઓના શેરમાં સતત ઘટાડો છે. છેલ્લા આઠ મહિનામાં ટેસ્લાના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલ 2022 માં, સ્ટોક $382 ની નજીક હતો. જો કે આ અઠવાડયાની શરુઆતમાં તે $168 પર બંધ થયો છે. આ રીતે ટેસ્લાના શેરની કિંમત અડધાથી પણ ઓછી રહી છે. ટેસ્લા વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની છે. તે જ સમયે, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનો સ્ટોક પણ સતત ઘટી રહ્યો છે.