બેંગલુરુ વોટર ક્રાઈસિસ: બેંગલુરુમાં બમણા ભાવે વેચાઈ રહ્યું છે પાણી, ઉનાળામાં શું થશે?
બેંગલુરુ, 23 ફેબ્રુઆરી : ભારતની સિલિકોન વેલી એટલે કે બેંગલુરુ હાલમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યું છે. જ્યારે ઉનાળો આવવામાં હજુ એક મહિનો બાકી છે. ગયા વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બેંગલુરુમાં નબળું રહ્યું હતું. જેના કારણે કાવેરી નદીના તટમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. આ નદીમાંથી જે પાણીના સ્ત્રોતો ભરાયા હતા તે પણ લગભગ ખાલી છે.
બેંગલુરુના કેટલાક જળાશયો સુકાઈ ગયા છે. આ શહેરમાં હજારો આઈટી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે લગભગ 1.40 કરોડ લોકો રહે છે. ઉનાળાના આગમન પહેલા જ અહીંના લોકોને બમણા ભાવે પાણી ખરીદવાની ફરજ પડી રહી છે. કેટલાક લોકોએ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા પાણીની માત્રામાં ઘટાડો કર્યો છે.
બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરના ડીલરો દર મહિને 2000 રૂપિયા વસૂલ કરી રહ્યા છે. જ્યારે એક મહિના પહેલા તે માત્ર 1200 રૂપિયા હતું. તેમા 12 હજાર લિટર પાણીનું ટેન્કર મળતું હતું. હોરમાવુ વિસ્તારમાં રહેતા અને પાણી ખરીદતા સંતોષ સીએએ જણાવ્યું હતું કે અમારે બે દિવસ અગાઉ પાણીનું ટેન્કર બુક કરાવવું પડે છે. વૃક્ષો અને છોડ સુકાઈ રહ્યા છે. દર બીજા દિવસે સ્નાન કરવું, જેથી અમે શક્ય તેટલું પાણી બચાવી શકીએ.
ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં વિલંબ
પૈસા ભર્યા પછી પણ ટેન્કરો ન આવતા લોકો પરેશાન છે. કહેવાય છે કે ભૂગર્ભજળની અછત છે. પાણી ક્યાંથી મેળવવું? ઘણી વખત જરૂરી હોય તે દિવસે પાણી મળતું નથી. એક કે બે દિવસ પછી ઉપલબ્ધ થાય છે. બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) શહેરમાં પાણી પુરવઠા માટે જવાબદાર સંસ્થા છે.
આ સંસ્થા કાવેરી બેસિનમાંથી પાણી ખેંચીને આખા શહેરને મોટાભાગનું પાણી પૂરું પાડે છે. કાવેરી નદીનું ઉદગમ સ્થાન તાલકવેરી છે. આ નદી પડોશી રાજ્ય તમિલનાડુમાંથી પસાર થઈને બંગાળની ખાડીમાં મળે છે. જ્યારે કર્ણાટક સરકાર અને બીડબ્લ્યુએસએસબીનો જળ સંકટ અંગે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ જવાબ આપ્યો ન હતો.
40 વર્ષમાં બેંગલુરુના 79% જળાશય, 88% ગ્રીન કવર ગુમાવ્યું
ઉનાળામાં BWSSBને પણ ભૂગર્ભજળ કાઢવાની અને તેને પાણીના ટેન્કરો દ્વારા સપ્લાય કરવાની ફરજ પડે છે. દક્ષિણ-પૂર્વ બેંગલુરુમાં રહેતા શિરીષ એનએ જણાવ્યું હતું કે જે લોકો પાણી પહોંચાડે છે તેમના માટે કોઈ નિયમો નથી. તેઓ પોતાની ઈચ્છા મુજબ પાણીના ભાવમાં વધારો કરે છે. આ વર્ષે પણ તેઓએ પાણીના ભાવમાં વધારો કર્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc)ના અભ્યાસ મુજબ, એક સમય હતો જ્યારે બેંગલુરુને તેની મધ્યમ આબોહવાના કારણે ગાર્ડન સિટી અને પેન્શનર્સનું સ્વર્ગ કહેવામાં આવતું હતું. પણ હવે વાતાવરણ એવું નથી. છેલ્લા ચાર દાયકાઓમાં એટલે કે 40 વર્ષમાં, બેંગલુરુએ તેના 79 ટકા જળાશય અને 88 ટકા ગ્રીન કવર ગુમાવ્યું છે. તેમજ, ઇમારતોની સંખ્યા પણ 11 ગણી વધી ગઈ છે.
Bengaluru is facing an acute water shortage this year, months before peak summer, forcing many residents in "India's Silicon Valley" to ration their water use and pay almost double the usual price to meet their daily needs. https://t.co/AvIG0Dqn86 https://t.co/AvIG0Dqn86
— Reuters Science News (@ReutersScience) February 21, 2024
બેંગલુરુ શહેરી ખંડેર બની રહ્યું છે, સંસાધનો ઉપલબ્ધ નથી
IIScના એનર્જી એન્ડ વેટલેન્ડ્સ રિસર્ચ ગ્રુપના વડા ટીવી રામચંદ્રએ જણાવ્યું હતું કે વૃક્ષો કાપવા અને ઇમારતોની વધતી સંખ્યાને કારણે શહેરના ભૂગર્ભજળમાં ઝડપથી ઘટાડો થયો છે. વરસાદનું પાણી જે પહેલા ભૂગર્ભમાં રહેતું હતું તે હવે રહ્યું નથી. ભૂગર્ભ જળ રિચાર્જ થતું નથી. આવી સ્થિતિમાં ચોક્કસપણે પાણીની અછત સર્જાશે.
કોએલિશન ફોર વોટર સિક્યુરિટીના સ્થાપક સંદીપ અનિરુધને પણ કહ્યું કે બેંગલુરુએ શહેરી બરબાદીનું સૌથી મોટું ઉદાહરણ છે. કારણ કે આ ઝડપથી વિકાસ પામતું શહેર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ઝડપી પરંતુ નબળો છે. અહીંની વસ્તી ઝડપથી વધી રહી છે. તેથી, કુદરતી સંસાધનોની અછત થવી સ્વાભાવિક છે.
આ પણ વાંચો : ખેડૂત આંદોલનઃ હવે 26 ફેબ્રુઆરીએ કરશે ટ્રેક્ટર માર્ચ, 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી