

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરનો કેસ સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરનો છે. બાળકીના માતા-પિતાનો આરોપ છે કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં 15 દિવસમાં આ ચોથી ઘટના છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી જ્યારે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પાકિસ્તાનમાં ત્રણ હિંદુ યુવતીઓનું અપહરણ કરીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવાનો મામલો સામે આવ્યો હતો.
અપહરણ કરાયેલી બાળકીના માતા-પિતાના જણાવ્યા અનુસાર, તે જ્યારે ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેનું હૈદરાબાદના ફતેહ ચોક વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બાળકી મળી નથી. લઘુમતી હિંદુ સમુદાયની ત્રણ મહિલાઓનું અપહરણ કરીને બળજબરીથી ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યાના દિવસો બાદ આ ઘટના બની છે. લઘુમતીઓ પર સતત થઈ રહેલા અત્યાચાર વચ્ચે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓમાં ગુસ્સો અને ભય છે. આ પહેલા 24 સપ્ટેમ્બરે નસરપુર વિસ્તારમાંથી 14 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. મીરપુરખાસ શહેરમાં ઘરે પરત ફરતી વખતે અન્ય એક હિન્દુ યુવતીનું પણ અપહરણ કરવામાં આવ્યું છે.
અપહરણ કરીને મુસ્લિમ યુવક સાથે બળજબરીથી લગ્ન કરાવ્યા
આ પહેલા પાકિસ્તાનના જ મીરપુરખાસ શહેરમાં એક હિન્દુ વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીનું અપહરણ કરવામાં આવ્યું છે. થોડા સમય પછી તેણીને ખબર પડી કે તેનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો છે અને તેના લગ્ન મુસ્લિમ યુવક સાથે કરવામાં આવ્યા છે.

પોલીસ પર ભેદભાવનો આરોપ
આ કેસમાં પોલીસ પર ભેદભાવના ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. મુસ્લિમ યુવક સાથે હિન્દુ પરિણીત મહિલાના લગ્ન અંગે પોલીસ અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે મહિલાએ પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો હતો અને અહેમદ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. આ વર્ષે જૂનમાં એક સગીર હિંદુ છોકરીએ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી કે તેણીને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરવામાં આવી હતી અને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનાના માત્ર ત્રણ મહિના પછી ત્રણ હિંદુ યુવતીઓ સાથે પણ આવું જ થયું.
બળજબરીપૂર્વકના ધર્માંતરણ સામેનું બિલ નકાર્યું
ગયા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં સંસદીય સમિતિએ બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધના બિલને ફગાવી દીધું હતું. બાબતોના પ્રધાન નૂરુલ હક કાદરીએ કહ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો ઘડવા માટે વાતાવરણ અનુકૂળ નથી. ડોનના અહેવાલ મુજબ મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો દેશમાં શાંતિને ખલેલ પહોંચાડી શકે છે અને લઘુમતીઓને વધુ સંવેદનશીલ બનાવી શકે છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીની ફેક્ટબુક અનુસાર, 2020ના ડેટા મુજબ, હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ પાકિસ્તાનની વસ્તીના માત્ર 3.5 ટકા છે.
આ પણ વાંચો : દેશના 50માં CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બનશે, ચીફ જસ્ટિસ યૂયૂ લલિતે સરકારને મોકલ્યું નામ