કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોનો પર્દાફાશ : 1100 લોકો સાથે છેતરપિંડી કરનારી ટોળકી ઝબ્બે
- Dani-data એપ્લિકેશન દ્વારા આચરી હતી છેતરપિંડી
- બનાવટી કંપનીઓના નામે ખોલાવ્યા હતા બેંકમાં ખાતા
પાલનપુર : Dani -data એપ્લિકેશન દ્વારા 1100 થી વધુ વ્યક્તિઓને તેમાં રોકાણ કરાવી ગેરંટેડ વળતર મેળવવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી હતી. આવી છેતરપિંડી કરતી ટોળકીને રાજ્યની સીઆઇડી ક્રાઇમની ટીમે ઝડપી લીધી છે. જેમને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી, જેમાં પાલનપુરનો સાયબર ક્રાઇમમાં નોંધાયેલો એક ગુનો પણ ઉકેલાઈ ગયો છે.
સાયબર ક્રાઇમના ગુનાઓ નાથવા માટે સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ના અધિક પોલીસ મહા નિર્દેશક આર. બી. બ્રહ્મભટ્ટની સૂચનાથી કડક કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. ખોખરાને સોંપવામાં આવી હતી. જેમાં 30 મે 22 સુધીમાં ફૂટબોલ ટીમોના સ્કોર દેખાડતી Dani -data એપ્લિકેશન ડાઉનલોડ કરાવતી હતી. આ એપ્લિકેશનમાં રોકાણકારો દ્વારા કરવામાં આવતા રોકાણો ઉપર 0.75% નફા સાથે પૈસા પરત મળશે તેવી 101% ની ગેરંટી અપાતી હતી. જેથી પાલનપુરના રોકાણકારે તેમાં રોકાણ કર્યા બાદ જૂન 22 માં વળતર જોવા માટે એપ્લિકેશન ઓપન કરી હતી. ત્યારે આ એપ્લિકેશનને play store ઉપરથી હટાવી લેવામાં આવી હતી. તેથી રોકાણકારને છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે સીઆઇડી ક્રાઈમની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા અલગ- અલગ સર્વિસ પ્રોવાઇડરો મારફતે નાણાનો પ્રવાહ અલગ- અલગ બેંકના ખાતામાં જતો હતો. અને પેન્થર ટ્રેડિંગ નામની ફર્મના એક્સિસ બેન્કના ચાલુ ખાતામાં આ એપ્લિકેશનના નાણાં ગયા હોવાનું ખુલ્યું હતું.
ત્રણ પાર્ટનર ના નામ મળ્યા
આ એપ્લિકશનના નાણા જે ફર્મમાં જતા હતા તેના બેંક એકાઉન્ટ, સ્ટેટમેન્ટ અને દસ્તાવેજી પુરાવાઓને પોલીસે ચેક કરતા ત્રણ ભાગીદારના નામ સામે આવ્યા હતા. જેમાં રૂ. 2, 71, 24, 31, 592/- જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ફર્મ ના દર્શાવેલ સરનામે તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કંઇ મળ્યું નહોતું. પરંતુ પુરાવાના આધારે તપાસ કરતા છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ ગઈ હતી.
છેતરપિંડી આચરનારા આરોપીઓ કચ્છ જિલ્લાના
મોટાપાયે છેતરપિંડી કરીને 1100 લોકોને શીશામાં ઉતારનારા કચ્છના આદિપુરના પેન્થર ટ્રેડિંગના ભાગીદાર દિલીપભાઈ અમરસિંહ બાજીગર, દામજી બાબુભાઈ ચૌહાણ જ્યારે બનાવટી ખાતાઓ લાવનાર ગાંધીધામના જયેશ મુલચંદ ઘેલાણી, બનાવટી ખાતાઓનો ઉપયોગ કરવા આપનાર આદિપુરના હિતેશ હરિલાલ ચૌહાણ અને પેઢીમાં બેંક અને વહીવટી કામગીરી સંભાળતા રમેશભાઈ ભરતભાઈ મહેશ્વરી ની સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ આરોપીઓની ધરપકડ કરી હતી.
બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરાયું
Dani -data નામની એપ્લિકેશન દ્વારા છેતરપીડીનો ભોગ બનનારા વ્યક્તિઓના નાણા જે બેંકના એકાઉન્ટમાં ગયા હતા. તે બેંકનું એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યું છે. જ્યારે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ઇ-મેલ આઇડીનું એનાલિસિસ કરીને સીઆઈડી ક્રાઈમની ટીમ આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો : પાલનપુરમાં ડમ્પીંગ સાઈટનો કચરાનો ડુંગર ખસેડાશે