અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ફાયર સેફ્ટીની તપાસમાં માત્ર નાના ધંધાર્થીઓને હેરાન કરવાનો તખ્તો ના ઘડાય તેનું ધ્યાન રાખોઃ કોંગ્રેસ

  • રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ અને બદલી થયેલા અધિકારીઓને આરોપી બનાવોઃ હેમાંગ રાવલ
  • અમદાવાદ ટાયર પંચરની દુકાન ચલાવતો મુખ્ય આરોપી ધવલ ઠક્કર માત્ર મહોરું : હેમાંગ રાવલ

અમદાવાદ, 30 મે 2024, રાજકોટના TRP અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, 3 આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. ત્યારે કોંગ્રેસે સરકાર પાસે માંગ કરી છે. ફાયર સેફ્ટીની તપાસ કરાવતી વખતે માત્ર નાના ધંધાદારીઓને હેરાન કરવાનો તખ્તો ઘડવામાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઘટનામાં સરકારે સસ્પેન્ડ અને બદલી થયેલા અધિકારીઓને આરોપી બનાવીને દાખલો બેસાડવો જોઈએ.

તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા ગોઝારા અકસ્માતને અકસ્માત નહીં. પરંતુ હત્યાકાંડ ગણવો જોઈએ. આ એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ગુનાહિત બેદરકારીનું કૃત્ય હતું. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટની મુલાકાત લઈને સરકાર પાસે સ્પષ્ટ માગણી કરી હતી કે, સંડોવાયેલા તમામ અધિકારીઓ, નેતાઓ અને ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા વચેટિયાઓને એફઆઇઆરમાં સામેલ કરીને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ.

રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર એ માત્ર મોહરું
હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું હતું કે, જે પ્રમાણે સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને મોટા અધિકારીઓને માત્ર બદલી કરીને દેખાડો કર્યો છે તે મુખ્ય આરોપીઓને બચાવવા માટે થઈને કાર્યવાહી થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. જો સરકાર એમ સ્વીકારતી હોય કે અધિકારીઓ આઈએસ આઈપીએસ ઓફિસર દોષિત હોવાથી તેમની બદલી કરવામાં આવી છે તો શા માટે તેમનું નામ એફઆઈઆરમાં લખીને ગુનો દાખલ કરીને તેમની અટકાયત નથી કરવામાં આવતી. રાજકોટ ટીઆરપી કાંડમાં મુખ્ય આરોપી ધવલ ઠક્કર એ માત્ર મોહરું છે. જેની અમદાવાદમાં સીટીએમ પાસે સાયકલ રિપેરિંગ અને પંચરની દુકાન હતી. થોડા વર્ષોથી રાજકોટ રહેવા ગયો હતો. આ વ્યક્તિ રાજકોટમાં ભાડાના ઘરમાં રહે છે તો કરોડોના રોકાણ કરાવી ધવલ કોર્પોરેશન ઉભા કર્યા હોય શકે તે વિચારવા જેવી બાબત છે.

મૃત્યુ પામેલા મૃતકોને અને તેમના પરિવારજનોને ન્યાય આપો
રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી TRPમાં 14 હજારના પગારે નોકરી કરતો હતો. પણ મૂળ માલિક વિકાસ જૈને એગ્રીમેન્ટ સાઈન કરાવી લીધેલ અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં હતું. એક દુકાન અપાવી દેવાની લાલચે સહી કરાવ્યા પછી દુકાન ન અપાવતા નામ બદલવાની અને પોતાને મુક્ત કરવાની વાત કરી તો અસલ માલિકે એમ કહેલું કે, એમાં 10-15 લાખનો ખર્ચો થાય, ત્યારબાદ નામ ન બદલતા તે ધવલના નામ પર જ ચાલું રહ્યું. તક્ષશિલા કાંડમાં છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે લડી રહેલા લોકોને હજી પણ ન્યાય મળ્યો નથી અને જો આ જ પ્રમાણે તપાસ ચાલશે તો ટીઆરપી કાંડમાં પણ ન્યાય મેળવવામાં મુશ્કેલીઓ પડશે. માટે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપીને દોષિતોને સજા કરી મૃત્યુ પામેલા મૃતકોને અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવો જોઈએ.

કોર્પોરેશનમાં કયા અધિકારી કયા નેતાના પૈસા રોકાયેલા છે તેની તપાસ કરો
રાજકોટ અગ્નિકાંડના પગલે સમગ્ર ગુજરાતમાં ગેમ ઝોન અને મલ્ટિપ્લેક્સમાં દરોડા પાડીને તેમના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવી રહ્યો છે. સંચાલકોની સાથે સાથે જમીનોના માલિકો જે મોટાભાગે ભાજપના નેતાઓ છે તેમની સામે પણ ગુનો નોંધીને સરકાર પોતાના મક્કમ હોવાનો પુરાવો આપે. નાના વેપારીઓ, નાના ટ્યુશન ક્લાસ અને નાના ધંધાદારીઓને ફાયર સેફ્ટીના નામે હેરાન પરેશાન કરીને અધિકારીઓ તોડ ના કરે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે કે બદલી કરાયેલા આઈએએસ, આઈપીએસ અધિકારીઓને તાત્કાલિક ધોરણે એફઆઇઆરમાં નામ નોંધી આરોપી બનાવવા જોઈએ, મુખ્ય આરોપી ધવલ ઠક્કરની ઉલટ તપાસ કરીને ધવલ કોર્પોરેશનમાં કયા અધિકારી કયા નેતાના પૈસા રોકાયેલા છે તેની એસઆઇટી તપાસ કરે અને સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવીને મૃતકોને ન્યાય આપે.

આ પણ વાંચોઃઅમદાવાદના નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ, સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કરી રજૂઆત

Back to top button