દિવાળીની રજાઓમાં સોમનાથ માટે ઓનલાઇન બુકિંગ કરાવતા પહેલા ચેતજો, નહિ તો થશે મોટું નુકસાન
દિવાળી ઉપર લોકો સોમનાથના પ્રવાસે મોટાપાયે જતા હોય છે. ત્યારે ગુજરાત બહાર કે પછી અન્ય જિલ્લામાં રહેતા લોકો ત્યાં રહેઠાણ માટે લીલાવતી ભવનનું ઓનલાઈન બુકિંગ નોંધાવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સોમનાથ ટ્રસ્ટના નામે રહેઠાણનું ઓનલાઇન બુકિંગ કરીને પ્રવાસીઓને સ્કેન કોડ મોકલી મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
દિવાળી સમયે અસંખ્ય લોકો આ છેતરપિંડીનો ભોગ બનશે
રાજ્યમાં ઘણા બધા લોકો આ છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે મૂળ મહેસાણાના જગુદણની મહારાષ્ટ્રમાં રહેતી એક 23 વર્ષીય યુવતી પણ ઓનલાઈન બુકિંગ કરવાના નામે છેતરપિંડીનો ભોગ બની છે. સાયબર માફિયાઓ દ્વારા 1 લાખ 80 હજાર જેટલી માતબર રકમ ટુકડે ટુકડે શુક્ર અને શનિવારે ઉપાડી લીધી છે. ઘણા સમયથી સાયબર માફિયાઓ દ્વારા આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તેમ છતાં હજુ સુધી સોમનાથ ટ્રસ્ટના નામે ચાલતી લીંક કે પછી વેબસાઈટ હજુ પણ બંધ કરવામાં આવી નથી. દિવાળી સમયે અસંખ્ય લોકો આ છેતરપિંડીનો ભોગ બનશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ ચૂપ નથી બેઠી, ચૂંટણી પ્રચાર માટે આ ખાસ રણનીતિ અપનાવી
તાજેતરમાં પણ છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો
જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ભેજાબાજ શખ્સોએ બુકીંગના નામે પ્રવાસીઓ સાથે રૂ. 24 હજાર 195ની રકમની છેતરપીંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા બે બેંકના એકાઉન્ટ ધારકો સામે છેતરપિંડી કર્યા અને આઈટી એક્ટ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલો સામે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટે મંદિર ટ્રસ્ટમાં ઓનલાઈન બુકીંગ માટે અખબારી યાદી મારફતે એડવાઇઝરી જાહેર કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત: રખડતાં ઢોરથી યુવાનનું મોત થતા લેવાયો મોટો નિર્ણય
સોમનાથ ટ્રસ્ટે અખબારી યાદી મારફતે એડવાઇઝરી જાહેર કરી
આ મામલો સામે આવતા મંદિર ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી મારફતે જણાવેલું કે, સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમ બુકિંગ અને પૂજાવિધિ / ડોનેશન રજીસ્ટ્રેશન માત્ર સોમનાથ ટ્રસ્ટની એક માત્ર ઓફિશિયલ વેબસાઈટ https://www.somnath.org પરથી જ થાય છે. કોઈપણ અન્ય પ્રકારના માધ્યમથી રૂમ બુકિંગ કે પૂજાવિધિ / ડોનેશન થતું નથી. હાલમાં ચેટ, વોટસએપ, ફોન નંબરના માધ્યમથી બુકિંગ થયાની છેપરપીંડીના કિસ્સાઓ સામે આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓને જણાવવામાં આવે છે કે, બુકિંગ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિશ્યલ વેબસાઈટનો જ ઉપયોગ કરવો અને ઓફલાઈન બુકિંગ માટે ટ્રસ્ટની અમદાવાદ ઓફિસનો સંપર્ક કરવો અથવા સોમનાથ ખાતે સેન્ટ્રલ બુકિંગ ઓફિસનો સંપર્ક કરી રૂબરૂમાં બુકિંગ કરાવી શકાય છે. આ સિવાય ટેલીફોનથી કે વોટસઅપ કે અન્ય કોઈપણ માધ્યમથી રૂમ બુકિંગ કે પૂજાવિધિ / ડોનેશન કરવામાં આવતું નથી. જેની નોંધ લેવી.