અમદાવાદગુજરાત

કુરિયરનો ફોન આવે તો સાવધાન થઈ જજો, ગઠિયાએ અમદાવાદના દંપતિ પાસેથી 4.81 લાખ પડાવ્યા

અમદાવાદ, 11 જૂન 2024, હાલમાં સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યાં છે. લોકોને ફોન કરીને કે શેરબજારમાં રોકાણ કરવાના બહાને ગઠિયાઓ બેંકના ખાતાઓ ખાલી રહ્યાં છે. જો તમને કુરિયરને લઈ તમારા પર ફોન આવે તો સાવધાન થઈ જજો. અમદાવાદના દંપતિને CBIની ઓળખ આપીને મુંબઈ એરપોર્ટ પર કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી 4.81 લાખ ઠગબાજે પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સાયબર ક્રાઈમને જાણ કર્યા બાદ બાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.

મુંબઈ CBIના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મણિનગર પૂર્વમાં રહેતા 40 વર્ષીય રીચાર્ડ મેકવાન ઈમિગ્રેશનનો વ્યવસાય કરે છે. તેમની પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરી છે. 21મી માર્ચના રોજ સવારે તેમના પર ફોન આવ્યો કે, ફેડેક્ષ કુરિયરમાંથી બોલું છું તમે થાઈલેન્ડ કુરિયર મોકલ્યું તે રિજેક્ટ થયું છે અને મુંબઈ એરપોર્ટ પર જમા કરવામાં આવ્યું છું. તેમાંથી 5 પાસપોર્ટ, 3 ક્રેડિટ કાર્ડ, 4 કિલો કપડાં, લેપટોપ, દોઢસો ગ્રામ MD ડ્રગ્સ પાર્સલમાંથી મળ્યું છે. રીચાર્ડ મેકવાને તેને જણાવ્યું કે, આ પ્રકારનું કોઈ કુરિયર મેં મોકલ્યું નથી. તેમ છતાં મુંબઈ સાયબર ક્રાઈમમાં તમારો નંબર ટ્રાન્સફર કરું છું. તેમ કહીને મુંબઈ સાયબર ક્રાઈમ, મુંબઈ CBIના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રીચાર્ડ મેકવાનને ધમકાવવા લાગ્યા બાદ તેમના પત્નીની તમામ વિગતો મેળવીને તેમને પણ કોલ કરીને બેંકની વિગતો મેળવી લીધી હતી.

4.81 લાખ રૂપિયા દંપતી પાસેથી સેરવીને ઠગાઈ આચરી
સાયબર ગઠિયાઓએ દંપતીને ઓનલાઈન કસ્ટડીમાં રાખ્યા અને બંને ધમકાવીને શરૂઆતમાં 91 હજાર ટ્રાન્સફર કરાવ્યા બાદ અલગ અલગ એપ્લિકેશન મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરાવીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. એકાઉન્ટમાંથી રૂપિયા પુરા થઈ જતા મહિલા પાસેથી ઇન્સ્ટન્ટ પર્સનલ લોન લેવડાવીને રૂપિયા પણ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર ગઠીયાઓએ કુલ 4.81 લાખ રૂપિયા દંપતી પાસેથી સેરવીને ઠગાઈ આચરી છે. મહિલાએ સમગ્ર બનાવની હકીકત તેની માતાને જણાવી ત્યારે દંપતીને અંદાજો આવ્યો કે, સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. જે બાદ રીચાર્ડ મેકવાને સાયબર હેલ્પ લઈને સંપર્ક કરીને બનાવ અંગેની હકીકતની જાણ કરીને ફરિયાદ રજીસ્ટર કરાવ્યા બાદ આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button