IPL-2024વિશેષસ્પોર્ટસ

શું ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ આવતા વર્ષે જતો રહેશે? – જય શાહે આપ્યા સંકેતો

Text To Speech

10 મે, મુંબઈ: BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પ્રયોગરૂપે લાગુ કરવામાં આવ્યો હતો અને જો ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકો આ નિયમને હટાવવા બાબતે સહમત થશે તો તેના પર  પુનઃવિચાર કરી શકાય છે.

એવું માનવામાં આવે છે કે આ નિયમને કારણે આ વર્ષે IPLમાં 250થી વધુનો ટોટલ આઠ વખત બની ચૂક્યો છે. ક્રિકેટના પંડિતો જણાવે છે કે આ નિયમોને લીધે બોલરો પર વિપરીત અસર પડે છે. આ ઉપરાંત આ નિયમની સહુથી ખરાબ અસર ઓલરાઉન્ડર ક્રિકેટરો પર પડી છે.

બંને ઈનિંગમાં બેટ્સમેન અને બોલર જરૂર પ્રમાણે  બદલી શકતા હોવાથી IPLમાં ઓલરાઉન્ડરની મોટાભાગની ટીમોને જરૂર નથી પડતી. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે અને આ નિયમને કારણે છેવટે તો ભારતીય ક્રિકેટ ટીમ પર જ તેની અવળી અસર પડી શકે છે.

જય શાહે કહ્યું છે કે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હોવાને કારણે બોલિંગ અને બેટિંગ બંનેમાં એક-એક વધારાના ભારતીય ખેલાડીને રમવાની તક મળે છે શું તે યોગ્ય ન કહેવાય? તેમણે ઉમેર્યું હતું કે જો ખેલાડીઓ આ બાબતે કોઈ ફરિયાદ કરશે તો તેના પર ફરીથી જરૂર વિચાર કરવામાં આવશે.

જય શાહના કહેવા અનુસાર IPL અને ત્યારબાદ T20 World Cup પૂર્ણ થયા બાદ BCCI તમામ IPL ફ્રેન્ચાઈઝીઓ તેમજ મહત્વના ભારતીય ખેલાડીઓની એક મિટિંગ બોલાવશે અને આ મિટિંગમાં આ બાબતે જરૂર ચર્ચા કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આમ પણ આ નિયમ પ્રયોગાત્મક જ હતો પરંતુ તેનો અર્થ એવો નથી કે અમે તેને આવતા વર્ષે દૂર કરી દેવામાં માનીએ છીએ.

IPL પછી સીધા ખેલાડીઓના વર્લ્ડ કપમાં જવા બાબતે અને તેમને લાગનારા થાક બાબતે જય શાહે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપ માટે IPLથી  બહેતર તૈયારી બીજી કઈ હોઈ શકે. IPLને એક અભ્યાસના રૂપમાં લેવી જોઈએ કારણકે અહીં બેટ્સમેનોને એક ઓસ્ટ્રેલિયન, એક ન્યુઝીલેન્ડનો, એક સાઉથ આફ્રિકાનો બોલર રમવા મળે છે. આમ આ રીતે IPL એ ભારતીય ખેલાડીઓ માટે આવનારી ICC ટુર્નામેન્ટ માટે તૈયારી જ છે.

જય શાહે એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે BCCI વિમેન્સ IPLનું મહત્વ વધારવા માંગે છે અને આના માટે તે એ ટુર્નામેન્ટમાં મેચોની સંખ્યા પણ વધારવા પર વિચારણા કરી રહ્યા છે.

Back to top button