પ્લેઓફ્સમાં અંગ્રેજોને રમવા દો: BCCIની ECBને વિનંતી
એવું બહુ ઓછી વખત બને છે કે BCCIને કોઈ બાબતે અન્ય દેશનાં બોર્ડને વિનંતી કરવી પડતી હોય છે. પરંતુ આ વર્ષે IPL 2024નો અંત અને T20 વર્લ્ડ કપની શરૂઆત ખૂબ નજીક નજીક છે આથી BCCIને વિનંતી કરવાની જરૂર પડી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પહેલેથી જ પોતાના બોર્ડને કહ્યું હતું કે પ્લેઓફ્સમાં ઈંગ્લીશ ખેલાડીઓને રમવા ન દેવામાં આવે અને તેમણે વહેલાં વેસ્ટ ઇન્ડિઝ પહોંચી જવું જોઈએ.
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ એટલેકે ECBને આ પ્રમાણે વિનંતી કરવા પાછળ જોસ બટલરનો હેતુ એવો હતો કે ઈંગ્લીશ ખેલાડીઓ જો વહેલા વેસ્ટ ઇન્ડિઝ પહોંચી જાય તો તેઓ ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે અને તેનાથી ટીમને ફાયદો થાય.
પરંતુ, તકલીફ એ છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ જે IPLમાં રમી રહ્યા છે અને જેમની ટીમ પ્લેઓફ્સમાં પહોંચશે તેમની ફ્રેન્ચાઈઝીઓને જોસ બટલરના આ નિર્ણયથી ખાસ્સી નારાજગી છે. કારણકે જો સ્ટાર ઈંગ્લીશ ખેલાડીઓ પ્લેઓફ્સમાંથી દૂર થઇ જશે તો તેમની ટીમનું બેલેન્સ ખતમ થઇ જશે. આથી જે ટીમ અત્યારસુધી મજબૂત સાબિત થઇ છે એ કદાચ છેલ્લી ઘડીએ અંગ્રેજ ખેલાડીઓની ગેરહાજરીને કારણે નબળી થઇ શકે છે.
આ ઉપરાંત ફ્રેન્ચાઈઝીઓનો દાવો છે કે જ્યારે ગયા વર્ષે જ્યારે ઓક્શન કરવામાં આવ્યું હતું ત્યારે તેમને ખબર ન હતી કે T20 વર્લ્ડ કપની તારીખો IPL 2024ના પ્લેઓફ્સ સાથે ટકરાશે, આથી એ ઈંગ્લીશ ખેલાડીઓને તેમણે પસંદ કર્યા છે જે હવે જવા માટે ઉતાવળા થઇ રહ્યા છે તે માટે તેઓ જવાબદાર નથી. આથી જો તેઓ આ બાબતે જવાબદાર નથી તો તેઓ શા માટે તેનું નુકસાન ઉઠાવવા માટે તૈયાર થાય?
એક રિપોર્ટ અનુસાર BCCI પણ IPL ફ્રેન્ચાઈઝીઓની લાગણી સાથે સહમત થયું છે અને બહુ જલ્દીથી તે ECBના અધિકારીઓ સાથે વાતચીત કરીને આ મામલાનું કોઈ યોગ્ય સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરશે.
બીજી તરફ ECBની પરિસ્થિતિ પણ સૂડી વચ્ચે સોપારી જેવી છે. એક તરફ તેણે પોતાના એ કેપ્ટનની વિનંતી માનવાની છે જેના પર વર્લ્ડ કપ જીતવાની જ નહીં પરંતુ હાલમાં એ ફોર્મેટના ચેમ્પિયન હોવાને કારણે તેને જાળવી રાખવાની પણ જવાબદારી છે. તો ECB BCCI જો વિનંતી કરે તો તેની પણ અવગણના કરી શકે તેમ નથી કારણકે BCCI એ ક્રિકેટની દુનિયાનું સહુથી શક્તિશાળી બોર્ડ છે અને IPL દ્વારા તેને પણ કમાણી થાય છે અને તેના ખેલાડીઓને પણ.