12 મે, મુંબઈ: આવનારી ડોમેસ્ટિક સિઝન માટે BCCI કેટલાક ક્રાંતિકારી સુધારાઓ લાવવા જઈ રહ્યું છે. તેમાંથી એક છે મેચ અગાઉ ટોસને ન ઉછાળવો. બોર્ડના સેક્રેટરી જય શાહે આ પ્રપોઝલ બોર્ડની એપેક્સ કાઉન્સિલ સમક્ષ મૂકી છે. આ ઉપરાંત અન્ય બે બાબતો પર પણ આ કાઉન્સિલ વિચારણા કરશે.
જય શાહની પ્રપોઝલ અનુસાર આવનારી ડોમેસ્ટિક સિઝનની સીકે નાયડુ ટુર્નામેન્ટમાંથી ટોસને દૂર કરવામાં આવે. ટોસને બદલે મહેમાન ટીમ નક્કી કરે કે પહેલા બેટિંગ કરવી કે બોલિંગ. આ બાબતની વિચારણા વર્ષોથી વિશ્વભરના ક્રિકેટરો અને પંડિતોમાં થઇ રહી હતી.
તમામનું કહેવું હતું કે ટોસનું મહત્વ એટલું બધું થઇ ગયું છે કે ટોસથી જ મેચનું પરિણામ ઘણીવાર નક્કી થઇ જતું હોય છે. આ રીતે કોઈ એક ટીમને અન્યાય થતો હોય છે. આથી જો મેચમાંથી ટોસની અસર દૂર કરવી હોય તો તે માટે અન્ય ઉપાયો વિચારવા જોઈએ અને આ વિચારોમાં જય શાહનો વિચાર પણ સામેલ હતો.
ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેશ ટુર્નામેન્ટમાં બેટ ઉછાળીને નિર્ણય લેવાતો હોય છે પરંતુ તે ટોસની માફક જ પરિણામ આપે છે. પરંતુ જો કોઈ ટુર્નામેન્ટમાં સરખા ભાગે મેચો રમાતી હોય તો યજમાન અને મહેમાન ટીમોને જ નક્કી કરવાનો હક્ક આપી દેવામાં આવે કે તે પહેલાં બેટિંગ કરવા માંગે છે કે બોલિંગ તો તે ક્રિકેટની રમત સાથે ન્યાય થયો છે એમ કહી શકાશે.
એ શક્યતાને નકારી ન શકાય કે જો BCCI એપેક્સ કમિટી જય શાહની આ પ્રપોઝલ સ્વીકારીને સીકે નાયડુ ટુર્નામેન્ટમાં તેનો અમલ કરે છે અને જો તે સફળ જશે તો આવતા વર્ષે IPLમાં પણ તેનો અમલ થાય તેની શક્યતાઓ વધી જાય છે.
આ ઉપરાંત રણજી ટ્રોફી અને અન્ય ટુર્નામેન્ટમાં બે મેચો વચ્ચે લાંબો સમય રાખવાની ક્રિકેટરોની લાગણીને પણ એપેક્સ કમિટી સમક્ષ મુકવામાં આવી છે. ડોમેસ્ટિક ક્રિકેટરોની ફરિયાદ છે કે બે મેચો વચ્ચે ઓછું અંતર હોવાને કારણે તેમને રીકવર થવામાં અને થાક ઉતારવા માટે પૂરતો સમય મળતો નથી. આ ફરિયાદ પર પણ કમિટી હકારાત્મક રીતે વિચાર કરશે એવું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત સિઝનની શરૂઆતમાં ઉત્તર ભારતમાં નડતી વાતાવરણ સંબંધી સમસ્યાઓ જેવી કે ધુમ્મસ અને બરફ પડવાથી મેચનું રદ્દ થવું કે મેચમાટે ઓછો સમય મળવો જેવા વિષયો વિશે પણ ઉત્તર પ્રદેશના કોચ સુનીલ જોષીએ BCCIને ઘટતું કરવા કહ્યું છે. આ બાબતે પણ એપેક્સ કમિટી વિચાર કરીને શરૂઆતની મેચો મુંબઈ અને બેંગલુરુ જેવા સમઘાત વાતાવરણ ધરાવતા શહેરોમાં ગોઠવે તેવો નિર્ણય લઇ શકે છે.