22 મે, મુંબઈ: રાહુલ દ્રવિડ પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે BCCIએ શોધખોળ જોરશોરથી ચાલુ કરી દીધી છે. આ શોધમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગ, લખનૌ સુપર જાયન્ટ્સના કોચ જસ્ટિન લેંગર, કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીર તેમજ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને સામેલ છે. BCCI ગૌતમ ગંભીરને પ્રથમ પસંદગી માની રહ્યું છે પરંતુ ગંભીર અને વિરાટ વચ્ચેના ખાટા સંબંધ વચ્ચે આવી રહ્યા છે.
જ્યારે ગંભીર અને વિરાટ IPL ટીમોના કેપ્ટન હતા ત્યારે પણ તેમની વચ્ચે KKR અને RCBની મેચ દરમ્યાન ઝઘડો થયો હતો. તો ગયા વર્ષે RCB અને LSGની મેચ દરમ્યાન નવીન ઉલ હક બાબતે ગંભીર અને કોહલી ફરીથી જાહેરમાં બાખડી પડ્યા હતા.
જો કે આ વર્ષે RCB અને KKR વચ્ચેની પહેલી મેચ પહેલાં આ બંને એકબીજા સાથે હાથ મેળવતાં અને હસીને વાતો કરતાં જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઇને બંને વચ્ચેના સંબંધો હવે સુધરી ગયા હોવાનું જાણવા મળે છે. તેમ છતાં બંને અત્યંત ઉગ્ર અને આક્રમક સ્વભાવ ધરાવતા હોવાથી ગમે ત્યારે તેમની વચ્ચે તણખા ઝરે તે સ્વાભાવિક છે.
BCCI સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું છે કે, ‘આમ તો ઘણાબધા પૂર્વ ખેલાડીઓ તેમજ કોચ સાથે BCCI વાત કરી રહ્યું છે પરંતુ આ તમામ નામોમાં ગૌતમ ગંભીરનું નામ સહુથી આગળ ચાલી રહ્યું છે. એ શક્યતા છે કે IPL પ્લેઓફ્સ દરમ્યાન જ્યારે ગૌતમ ગંભીર અને BCCIના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદમાં હશે ત્યારે તેઓ ગંભીરની મુલાકાત લઇ શકે છે.’
જ્યારે ગંભીર અને વિરાટ વચ્ચેના વિવાદ વિશે આ સૂત્રને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘આ IPL દરમ્યાન ગંભીર અને ટીમ ઇન્ડિયાના દરેક સભ્યો વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહ્યા છે. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે તો આ બંને વચ્ચે એક સમયે સંબંધોમાં ઉગ્રતા જોવા મળી છે પરંતુ તેમણે હવે પોતપોતાના સંબંધો સુધારી લીધા છે. એવું જાણવા મળ્યું છે કે આ વર્ષની IPL પહેલાં ગૌતમ અને વિરાટ બંનેએ એક હોટલમાં મળીને પોતાના મતભેદ અને મનભેદ દરેક દૂર કરી દીધા છે આથી હવે આ બંને વચ્ચેના સંબંધો પણ ઉષ્માભર્યા છે.’