BCCIએ કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ પર લગાવ્યો દંડ, PBKS સામેની મેચમાં કરી મોટી ભૂલ


- મેચ બાદ બંનેએ મેચ રેફરીની સામે પોતાની ભૂલને સ્વીકારી હતી, જેને પગલે દંડ લાદવામાં આવ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 20 એપ્રિલ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 33મી મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને ખેલાડી ટિમ ડેવિડને BCCI દ્વારા IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ આજે શનિવારે દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન બંનેએ મોટી ભૂલ કરી હતી, જેના પછી BCCIએ તેમની મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો છે. આ મામલે મેચ રેફરીની સામે સુનાવણી દરમિયાન ટિમ ડેવિડ અને પોલાર્ડે પોતાની ભૂલ સ્વીકારી હતી, ત્યારબાદ તેમના પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

લેવલ 1ના નિયમ હેઠળ બંને પર દંડ લાદવામાં આવ્યો
IPL દ્વારા કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ પર લગાવવામાં આવેલા દંડ અંગે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, પંજાબ કિંગ્સ સામેની મેચમાં IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ બંનેને દંડ ફટકારવામાં આવ્યો છે. ટિમ ડેવિડ અને પોલાર્ડે આચાર સંહિતાની કલમ 2.20 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો હતો. આ કારણે ડેવિડ અને પોલાર્ડને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ આચાર સંહિતાના ઉલ્લંઘનના કિસ્સામાં મેચ રેફરીના નિર્ણયને અંતિમ ગણવામાં આવે છે. આ મામલે બંનેએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.
DRS લેવાનો સંકેત આપવા બદલ દંડ ફટકારવામાં આવ્યો
કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડને લઈને IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કઈ ભૂલને કારણે બંનેને આ દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન જ્યારે સૂર્યકુમાર યાદવ 15મી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અર્શદીપ સિંહના એક બોલ પર બંનેએ ડગઆઉટમાંથી વાઈડ બોલને લઈને DRS લેવાનો સંકેત આપ્યો હતો, જેના પર પંજાબ કિંગ્સના કેપ્ટને પણ વાંધો ઉઠાવ્યો હતો. આ પછી સૂર્યાએ DRS લીધો અને થર્ડ અમ્પાયરે બોલને વાઈડ જાહેર કર્યો.