BCCIએ ઘરેલુ ક્રિકેટના નિયમોમાં કર્યો ફેરફાર, જાણો આ 4 નવા નિયમો વિશે
- બેટ્સમેન ઈજા વિના કોઈપણ કારણોસર બહાર જય છે, તો તેને તરત જ OUT જાહેર કરવામાં આવશે
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફી પહેલા ડોમેસ્ટિક ક્રિકેટના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. મતલબ કે, હવે ખેલાડીઓએ ક્રિકેટ રમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે શુક્રવારના રોજ રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડ સાથે ભારતમાં નવી સ્થાનિક સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કહ્યું છે કે, જો કોઈ બેટ્સમેન ઈજા વિના કોઈપણ કારણોસર રિટાયર થાય છે, તો તેને તરત જ OUT જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ કે, તે આ ઇનિંગમાં બેટિંગ કરી શકશે નહીં, ભલે વિરોધી ટીમના કેપ્ટનને કોઈ સમસ્યા ન હોય.
ગુરુવારે સાંજે BCCI દ્વારા રાજ્યની ટીમોને આ અંગેની એક પ્રેસ રિલીઝ મોકલવામાં આવી હતી. જેમાં બદલાયેલા નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
કયા કયા ફેરફારો કરવામાં આવ્યા?
- ઈજા, માંદગી અથવા અનિવાર્ય કારણ સિવાયના કોઈપણ કારણસર રિટાયર થનાર બેટ્સમેન રિટાયર થયા પછી તરત જ OUT ગણવામાં આવશે અને વિરોધી કેપ્ટનની સંમતિથી પણ તેની પાસે બેટિંગ માટે પરત ફરવાનો વિકલ્પ રહેશે નહીં.
- બોલિંગમાં, જો કોઈ ટીમે બોલ પર લાળ લગાવી હશે, તો પેનલ્ટી લગાવવા સિવાય, બોલને તરત જ બદલવો પડશે.
- BCCIએ રન રોકવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. નવા સુધારેલા નિયમ મુજબ, જ્યારે બેટ્સમેન ક્રોસિંગ કર્યા પછી રન રોકવાનો નિર્ણય લે છે અને ઓવરથ્રો દ્વારા બાઉન્ડ્રી મળે છે, ત્યારે ફરીથી ક્રોસ કરતા પહેલા માત્ર બાઉન્ડ્રી એટલે કે 4 સ્કોરમાં ગણવામાં આવશે. BCCIએ કહ્યું છે કે, આ ICC T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન થયેલા કરારને અનુરૂપ છે.
- વધુ એક ફેરફાર સીકે નાયડુ સ્પર્ધાથી પોઈન્ટ ફાળવણી સાથે સંબંધિત છે. નવા નિયમોમાં બે સંજોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પરિસ્થિતિ 1: જો ટીમ A, પ્રથમ બેટિંગ કરે છે, પ્રથમ દાવમાં 98 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. ફિલ્ડિંગ કરતી વખતે, ટીમ Aને 5 પેનલ્ટી રન આપવામાં આવશે, જેના પરિણામે ટીમ Aનો સ્કોર હવે 98 ઓવરમાં 403 થઈ ગયો છે, ટીમ Aને હવે 5 બેટિંગ પોઈન્ટ્સ મળશે.
પરિસ્થિતિ 2: જો ટીમ ‘A’ પ્રથમ બેટિંગ કરે છે અને 100.1 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. જ્યારે ટીમ ‘A’ ને ફિલ્ડિંગ કરતી વખતે 5 પેનલ્ટી રન મળતા હતા, જેના પરિણામે ટીમ Aનો સ્કોર હવે 100.1 ઓવરમાં 403 થઈ જાય છે. તેમને 5મો બેટિંગ પોઈન્ટ નહીં મળે.
ક્યાં-ક્યાં નિયમ લાગુ પડશે?
અહેવાલ અનુસાર, આ નિયમ BCCIની તમામ ડોમેસ્ટિક મેચો માટે લાગુ થશે. આ નવા નિયમો તમામ બહુ-દિવસીય મેચો અને તમામ મર્યાદિત ઓવરની મેચો માટે પણ લાગુ થશે. રસપ્રદ વાત એ છે કે, BCCIએ કહ્યું છે કે, આ નિયમ સુપર ઓવરની સ્થિતિમાં પણ લાગુ થઈ શકે છે.
આ પણ જૂઓ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં ભારતને મોટો ઝટકો, પ્રથમ 2 ટેસ્ટમાં રોહિત શર્મા કેપ્ટન નહીં હોય?