‘તારક મહેતા’ શોની ‘બાવરી’ ઉર્ફે મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર લગાવ્યા ગંભીર આરોપ!
જેનિફર મિસ્ત્રી બંસીવાલે તાજેતરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના નિર્માતાઓ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. થોડા દિવસો બાદ શોમાં ‘બાવરી’ના પાત્રમાં જોવા મળેલી મોનિકા ભદોરિયાએ પણ મેકર અસિત કુમાર મોદી અને પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી સામે મોરચો ખોલ્યો છે. અભિનેત્રીએ અસિત અને સોહિલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા અને એમ પણ કહ્યું કે તેઓ એટલો ત્રાસ આપતા હતા કે મને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા.
બાવરી ઉર્ફે મોનિકા ભદોરિયાનું પણ પેમેંન્ટ બાકી
મોનિકાએ 2013 થી 2019 સુધી એટલે કે છ વર્ષ સુધી હિટ સિટકોમ શોમાં બાવરી ધોંદુલાલ કાનપુરિયાની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, અભિનેત્રીએ જણાવ્યું હતું કે શો છોડ્યા પછી નિર્માતાઓએ તેને એક વર્ષ સુધી પેંમેન્ટની ચૂકવણી કરી નથી. તેણે કહ્યું હતું કે બાદમાં શોના અન્ય ઘણા સ્ટાર્સ ગુરચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી, રાજ અનડકટ અને શૈલેષ લોઢાને પણ આનો સામનો કરવો પડ્યો હતો.
“અહીં કામ કરવા કરતાં આત્મહત્યા કરવી વધુ સારી!”
અસિત મોદીને ‘મોટા જુઠ્ઠા’ ગણાવતા મોનિકાએ કહ્યું હતું કે અસિત મોદી અને સોહેલ રામાણીએ સેટ પર કલાકારોને અપમાનિત કરે છે. તેણીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “તેઓએ મને એ સ્તર સુધી ટોર્ચર કરી કે મને લાગ્યું કે અહીં કામ કરવા કરતાં આત્મહત્યા કરવી વધુ સારી છે. તેઓ મને માનસિક ત્રાસ આપતા હતા. તેઓ મારા પર બૂમો પાડતા હતા, દુર્વ્યવહાર કરતા હતા અને સોહિલ કહેતો હતો કે અમે તમને Pay કરીએ છીએ, તેથી અમે જે કહીએ એ જ તમારે કરવાનું છે.”
“માતાના મૃત્યુ સમયે પણ અસિત મોદીએ ફોન ન કર્યો”
અભિનેત્રીએ તે દિવસોને પણ યાદ કર્યા જ્યારે તેની સ્વર્ગસ્થ માતા કેન્સરની સારવાર લઈ રહી હતી. મોનિકાએ કહ્યું કે, તેને વહેલી સવારે જલ્દી સેટ પર આવવાનું કહેવામાં આવતું હતું. પછી ભલેને તેની પાસે શૂટ કરવાનો કોઈ સીન ન હોય. તેમણે દાવો કર્યો હતો કે અસિત મોદીએ તેમની માતાના અવસાન સમયે એક પણ ફોન કર્યો નહોતો.
“અસિત મોદીએ કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી”
મોનિકાએ વધુમાં આરોપ લગાવ્યો કે નિર્માતાઓએ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. અભિનેત્રીએ કહ્યું, “અસિત કુમાર મોદીએ મને મુંબઈમાં કામ ન કરવા દેવાની ધમકી આપી હતી. હું પહેલેથી જ મારી માતાને ગુમાવવાના માનસિક આઘાતમાંથી પસાર થઈ રહી હતી અને અહીં તે મને મારી કારકિર્દી ગુમાવવાની ધમકી આપી રહ્યા હતા. વાસ્તવમાં મારી કારકિર્દી પર તેની ખરેખર અસર પડી હતી. મારે કામ કર્યા પછી પણ સંઘર્ષ કરવો પડ્યો.”
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક “પુરૂષવાદી” જગ્યા!
તેણીની વાતનો અંત કરતાં, અભિનેત્રીએ પણ જેનિફરના દાવાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક “પુરૂષવાદી” જગ્યા છે. તેણે કહ્યું, “સેટ મેલ ડોમિનેટિંગ છે. તેઓ મહિલા કલાકારોને રાહ જોવડાવશે અને પ્રથમ પુરૂષ કલાકારો તેમના સીન પૂરા કરીને ચાલ્યા જશે. ટીવી શો હોવા છતાં, સ્ત્રી કલાકારોને પુરૂષ એક્ટર્સ કરતા ઓછું પેમેન્ટ આપવામાં આવે છે.”
આ પણ વાંચો: “તારક મહેતા શો”ના અસિત મોદી વિરૂદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ, શું કહ્યું તેમણે?