અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

બસ્તર, ધ નક્સલ સ્ટોરીઃ રાષ્ટ્રવિરોધીઓની ઓળખ કરાવતી ફિલ્મ

  • “ધ કેરલ સ્ટોરી”ના નિર્માતા અને દિગ્દર્શક દ્વારા વધુ એક આંખ ઉઘાડનારી ફિલ્મ
  • દેશમાં કેટલા લોકો જાણે છે કે, પાકિસ્તાન સાથેના ચાર યુદ્ધમાં જેટલા જવાનો વીરગતિ પામ્યા તેના કરતાં અનેક ગણા વધુ વીર જવાનોનો ભોગ માઓવાદીઓએ-નક્સલવાદીઓએ લીધો છે?

અમદાવાદ, 15 માર્ચ, 2024: દેશનો ત્રિરંગો લહેરાવનારને, લહેરાયેલા ત્રિરંગાને સન્માન આપનારને સજા કરવા માટે તેને પરિવાર સાથે ઉઠાવી જઇને પરિવારની સામે જ બરછીના ઘા મારી નાના-નાના ટુકડા કરી દેવામાં આવે. અને આવાં કૃત્યને લોકશાહી સરકારના વિરુદ્ધમાં કરેલાં કૃત્ય તરીકે, મૂડીવાદના વિરોધમાં કરેલાં કૃત્ય તરીકે, સમાનતા માટેનાં કૃત્ય તરીકે ખપાવવામાં આવે તેના વિશે શું કહી શકાય? સરેરાશ ભારતવાસીઓએ આવાં દૃશ્યો સામાન્ય રીતે ISIS અને અલ કાયદા જેવા આતંકવાદી દ્વારા આચરવામાં આવતા હોય એવું જોયું છે, એવું સાંભળ્યું છે અને એવું જ વાંચ્યું છે. પરંતુ આ દેશમાં જ પૂર્વના પટ્ટામાં બિહાર-બંગાળથી છેક દક્ષિણ સુધીના આદિવાસી પટ્ટામાં એક અલગ પ્રકારનો આતંકનો ઓછાયો હતો તેની મોટાભાગનાને જાણ નહોતી.

નક્સલવાદીઓ કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપે ત્યારે મીડિયામાં તેની નોંધ લેવાય ત્યારે જ દેશવાસીઓને એ હિંસાખોર માનસિકતાના લોકો વિશે જાણ થતી હોય છે. ત્યારબાદ એકાદ-બે દિવસ મીડિયા “ઈન્ટેલિજન્સ ફેલ્યોર”, “ગરીબી”, “સમાનતા” જેવા શબ્દો સાથે સરકાર અને તંત્રની વિરુદ્ધ લખીને નક્સલવાદી હિંસાને ઢાંકવાના પ્રયાસ કરે અને સાથે સાથે નક્સલવાદનું, ખાસ કરીને શહેરી નક્સલવાદીઓનું મહિમા મંડન કરીને દેશને અને ખાસ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે.

ધ નક્સલ સ્ટોરીઃ બસ્તર ફિલ્મ આજે ભારતમાં રિલીઝ થઈ છે, પરંતુ તે અગાઉ ગઈકાલે એટલે કે 14મી માર્ચને ગુરુવારે શહેરમાં આ ફિલ્મનો પ્રી-રિલીઝ શો યોજાયો હતો. શરૂઆતથી અંત સુધી જકડી રાખતી આ ફિલ્મ એવા તમામની આંખ ઉઘાડી શકે તેમ છે જેઓ ડાબેરી વિચારધારાના પ્રભાવમાં રાષ્ટ્ર વિરોધીઓને સમર્થન આપે છે. ફિલ્મને અંતે મુખ્ય અભિનેત્રી અદા શર્મા પણ પ્રેક્ષકોની વચ્ચે હાજર થઈ હતી અને પોતાના દિલની વાત કરી હતી તથા લોકોની વાતો સાંભળી હતી.

જૂઓ અહીં વીડિયોઃ

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

નક્સલવાદી હિંસાની આવી અત્યંત ક્રુર ઘટના 2010ની છઠ્ઠી એપ્રિલે બની હતી. માઓવાદીઓએ છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં CRPFની કંપની ઉપર અત્યંત ક્રુર અમાનવીય હુમલો કરી દીધો હતો જેમાં 76 જવાનો વીરગતિ પામ્યા હતા. સીઆરપીએફની આ કંપની છેલ્લા 48 કલાકથી જંગલમાં માઓવાદીઓની ગતિવિધી વિરોધી ઑપરેશનમાં રોકાયેલા હતા અને રાત્રે થાકેલી હાલતમાં કૅમ્પમાં પરત ફર્યા હતા. એક જૂની સરકારી સ્કૂલ તથા કામચલાઉ ઊભા કરેલા ટેન્ટમાં બધા જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરવા માટે સૂઈ ગયા. પરંતુ તેમને ખબર નહોતી કે 1000 કરતાં વધુ હિંસાખોર માઓવાદીઓએ તેમને ઘેરી લીધેલા છે અને કોઇપણ ક્ષણે તેમના પર હુમલો કરી દેશે.

બીજી તરફ, એ વિસ્તારના સ્પેશિયલ પોલીસ ટીમના અધિકારીઓ અને તેમના વડા નીરજા ભાર્ગવને નક્સલી કાવતરાંનો ખ્યાલ આવી જાય છે. CRPFની ટુકડીને બચાવવા માટે વધારાનાં દળો મેળવવા છત્તીસગઢની સ્થાનિક પોલીસની, કેન્દ્રીય ગૃહમંત્રીની મદદ માગે છે, પરંતુ મદદ મળતી નથી અને દેશના વીર જવાનો કાયર નક્સલીઓના હાથે વીરગતિ પામે છે.

સુદિપ્તો સેન તથા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ધ નક્સલ સ્ટોરીઃ બસ્તર આ એક ઘટનાની આસપાસ બનાવવામાં આવી છે. નિર્માતા અને નિર્દેશકે માઓવાદ – નક્સલવાદની અત્યંત વિકરાળ અને વ્યાપક સમસ્યાને લગભગ બે-સવા બે કલાકની આ ફિલ્મમાં સમાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ વ્યવહારુ રીતે એ શક્ય ન હોવાથી સામાન્ય દર્શકો માટે પૂરો તાગ મેળવવાનું મુશ્કેલ છે.

આમછતાં, મીડિયા અને નક્સલીઓની સાંઠગાંઠ, નક્સલીઓ અને ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય ટોળકીઓ વચ્ચેની સાંઠગાંઠ, મીડિયા તેમજ અર્બન નક્સલીઓ દ્વારા માઓવાદી હિંસાખોરોને પૂરી પાડવામાં આવતી સહાય, નક્સલવાદને કારણે છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશથી લઈને કેરળ સુધીના પટ્ટામાં વનવાસી – આદિવાસીઓની થયેલી કફોડી હાલત, હજારોની સંખ્યામાં થયેલાં માતાઓ-બહેનોનાં શોષણ, તેમની પીડાને લાગણીસભર રીતે દર્શાવવામાં ફિલ્મ સફળ થાય છે.

દેશમાં કેટલા લોકો જાણે છે કે, પાકિસ્તાન સાથેના ચાર યુદ્ધમાં જેટલા જવાનો વીરગતિ પામ્યા તેના કરતાં અનેક ગણા વધુ વીર જવાનોનો ભોગ માઓવાદીઓએ-નક્સલવાદીઓએ લીધો છે? આ ચોંકાવનારી હકીકત દરેક દેશવાસીએ જાણવી જોઇએ અને હાલના તબક્કે એ જાણવાનું સૌપ્રથમ માધ્યમ છે ફિલ્મ. ધ નક્સલ સ્ટોરીઃ બસ્તર જોશો તો આ ખુંખાર વાસ્તવિકતા જાણવાની દિશામાં તમે પહેલું ડગલું માંડી શકશો. જેમણે “બુદ્ધ ઈન ટ્રાફિક જામ” ફિલ્મ જોઈ હશે તેમને આ ફિલ્મ દ્વારા માઓવાદનો, નક્સલવાદનો સાચો ચહેરો વધારે સારી રીતે જોવા-સમજવા મળશે.

આ પણ વાંચોઃ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મનું બીજું ટીઝર રીલીઝ, એક માતાની વેદના હચમચાવશે

આ પણ વાંચોઃ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીનું ટીઝર રીલીઝ, અદા શર્મા નક્સલીઓ સામે લડશે

Back to top button