બનાસકાંઠા : લાખણીમાં બારે મેઘ ખાંગા ચાર કલાકમાં નવ ઇંચ વરસાદ


- રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો
- દુકાનોમાં પાણી ઘુસતા વ્યાપારીઓને નુકસાન
બનાસકાંઠા 02 જુલાઈ 2024 : હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જેમાં જિલ્લામાં લાખણી ખાતે મેઘરાજાએ ભારે સપાટો બોલાવ્યો હતો. સવારના 10 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં આ પંથકને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો હતો. તેમાં ચાર કલાકમાં જ નવ ઇંચ જેટલો એટલે કે 273 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે લાખણીના માર્ગો જળબંબાકાર બન્યા હતા અને માર્ગો ઉપર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે વરસાદથી લોકોનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું હતું. તેમ જ અહીંના કેટલાક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓની માલ – મિલકતને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સાંજે 4:00 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ લાખણીમાં 237 મીમી, દાંતામાં 155, મીમી દિયોદરમાં 104 મીમી વરસાદ નોંધાયો છે. તે સિવાયના તાલુકાઓમાં ચાર થી માંડી ને ૮૧ મીમી જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે.
આ પણ વાંચો : સુરતની જુની સિવિલમાં પાણી ટપકતાં પ્લાસ્ટિકની બેગો મુકી, છત બચાવવા ટેકા ગોઠવ્યા