મોંઘવારીનો વધુ એક ડામ, અમુલ બાદ બરોડા ડેરીએ દહી-છાશમાં ભાવ વધાર્યા
સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય લોકો ત્રસ્ત છે, ઘર કઈ રીતે ચલાવવું તે ચિંતા કોરી ખાય છે. ત્યારે દાજ્યા પર ડામ આપતાં અમુલ બાદ હવે અન્ય ડેરીએ પણ ભાવ વધાર્યા છે. વડોદરાની બરોડા ડેરીએ દહીં, છાશના ભાવમાં વધારો કર્યો છે. દહી, છાશમાં રૂપિયા 1 થી લઈને 15 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. 5 ટકા GST વધતા આ વધારો કરાયો છે. ગઈકાલથી જ નવા દર લાગુ થઈ ગયા છે.
આ ઉપરાંત આગામી મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાશે, જેમાં ડેરીના કામકાજના વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવશે.
જાણો બરોડા ડેરીની પ્રોડક્ટના નવા ભાવ
- સુગમ મસ્તી દહીં કપ 200 ગ્રામના 20 રૂપિયાથી વધારી નવો ભાવ 21 કર્યો.
- સુગમ મસ્તી દહીં કપ 400 ગ્રામના 38 રૂપિયાથી વધારી નવો ભાવ 40 કર્યો
- સુગમ મસ્તી દહીં પાઉચ 1 કિલોના 60 રૂપિયાથી વધારી નવો ભાવ 65 કર્યો
- સુગમ મસ્તી દહીં પાઉચ 5 કિલોના 300 રૂપિયાથી વધારી નવો ભાવ 315 કર્યો
- ગોરસ જીરા છાશ પાઉચ 190 ml 6 રૂપિયાથી વધારી નવો ભાવ 7 રૂ. કર્યો
- ગોરસ જીરા છાશ પાઉચ 400 ml 11 રૂપિયાથી વધારી નવો ભાવ 12 રૂ કર્યો
- ગોરસ છાશ પાઉચ 5 લીટરના 130 રૂ થી વધારી નવો ભાવ રૂ 140 કર્યો
અમુલે હાલમાં જ ભાવ વધાર્યા
ગત સપ્તાહમાં અમુલે દહીં, છાશ અને લસ્સીના ભાવમાં વધારો કર્યો છે. અમુલ દહીના 400 ગ્રામના પાઉચ પર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 1 કિલો દહીંના પાઉચ પર રૂપિયા 4 નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 200 ગ્રામ દહીંના કપમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 400 ગ્રામ દહીંના કપમાં રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે. અમુલે તેની છાશના પાઉચના ભાવમાં પણ વધારો કર્યો છે. અમુલે 500 એમએલ છાશના પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. 1 લિટર છાશના પાઉચ ઉપર કોઈ ભાવ વધારો સામે આવ્યો નથી.