

બરેલી, તા.1 માર્ચ, 2025: પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઘણા ગુજરાતીઓ આસ્થાની ડૂબકી લગાવવા ગયા હતા. પ્રયાગરાજની સાથે તેઓ ઉત્તર પ્રદેશના અન્ય ધાર્મિક સ્થાનો પણ ગયા હતા. બરેલીના ભોજીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે મોટો માર્ગ અકસ્માત થયો હતો. હરિદ્વાર જતા યાત્રાળુઓની બસ બડા બાયપાસ પર ઈંટથી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બે મુસાફરોના મૃત્યુ થયા હતા. પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ યાત્રાળુઓ ગુજરાતના છે.
ભાવનગરના 60 શ્રદ્ધાળુઓ ગયા હતા
ભાવનગર જિલ્લામાંથી લગભગ 60 જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ અને અયોધ્યાનાં દર્શન કર્યા બાદ બસમાં હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ બિલવા પુલ પર પહોંચતા જ સિમેન્ટની ઇંટોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડામણ થઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં શ્રદ્ધાળુઓનાં રસોઈયા લાલા ભાઈ અને બસ કંડક્ટર આશિષનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પાંચથી છ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનાં અહેવાલ છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અથડામણ એટલી ગંભીર હતી કે ટ્રેક્ટર ટ્રોલી પર ભરેલી ઇંટો હાઇવે પર વિખેરાઈ ગઈ હતી. દુર્ઘટના બાદ ટ્રેક્ટર ટ્રોલીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દુર્ઘટના સર્જાયા બાદ બસમાં સવાર શ્રદ્ધાળુઓ ચીસો અને બૂમો પાડવા લાગ્યા હતા. દુર્ઘટના બાદ શ્રદ્ધાળુઓ બસમાંથી ઉતરીને ડિવાઇડર પર બેસી ગયા હતા. અકસ્માતની ઘટના બાદ એક બાજુનાં રોડ પર સંપૂર્ણપણે જામ થઈ ગયો હતો. ઘટનાની વિગતો મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક જામ દૂર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 15 વર્ષ જૂનાં વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળેઃ રાજધાની દિલ્હીનું પર્યાવરણ સુધારવા પગલાં જાહેર