- જાસમીન પાઓલિનીને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો
લંડન, 13 જુલાઈ : ચેક રિપબ્લિકની સ્ટાર ટેનિસ ખેલાડી બાર્બોરા ક્રેજિકોવાએ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. લંડનમાં શનિવારે (13 જુલાઈ) રમાયેલી ફાઈનલ મેચમાં 31મી ક્રમાંકિત ક્રેજિકોવાએ ઈટાલીની 7મી ક્રમાંકિત જાસમીન પાઓલિનીને 6-2, 2-6, 6-4થી હરાવ્યો હતો. આ ફાઇનલ મેચ 1 કલાક અને 56 મિનિટ સુધી ચાલી હતી. ફાઈનલ મેચમાં ક્રેજસિકોવાએ પ્રથમ સેટ સરળતાથી જીતી લીધો હતો. જોકે, જાસ્મીને જોરદાર વાપસી કરી અને મેચને નિર્ણાયક સેટ સુધી લઈ ગઈ. ત્રીજા અને છેલ્લા સેટમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, જેમાં ક્રેજિકોવાનો વિજય થયો હતો.
જાસ્મીન ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ
28 વર્ષીય ક્રેજિકોવા તેની બીજી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ફાઈનલ રમી રહી હતી અને તેણે બીજી વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. આ પહેલા ક્રેજિકોવાએ વર્ષ 2021માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો. જાસમીન નની આ બીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ પણ હતી. જોકે, જાસમીન આ વખતે પણ ટાઈટલ જીતી શકી નથી. જો જાસમીન ટાઈટલ જીતી હોત તો તેણે ઈતિહાસ રચ્યો હોત. અત્યાર સુધી કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલ્ડનમાં સિંગલ્સ ટાઈટલ જીતી શક્યું નથી.
સેમીફાઇનલમાં જોરદાર ટક્કર આપી હતી
ઉલ્લેખનીય છે કે ક્રેજિકોવાએ સેમીફાઈનલ મેચમાં 2022ની વિમ્બલ્ડન ચેમ્પિયન એલેના રાયબાકીનાને 3-6, 6-3, 6-4થી હરાવી હતી. જ્યારે પાઓલિનીએ ડોના વેકિચને 2-6, 6-4, 7-6 (10-8)થી હરાવી હતી. આ બંને ખેલાડીઓએ સેમીફાઈનલમાં આક્રમક વલણ અપનાવીને મેચનો પલટો ફેરવી નાખ્યો હતો. પાઓલિની આ સિઝનમાં સતત બીજી ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી છે. 2016 પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલા ખેલાડી એક જ સિઝનમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચી હતી. પાઓલિની ફ્રેન્ચ ઓપન 2024ની ફાઇનલમાં ઇગા સ્વાઇટેક સામે હારી ગઈ હતી.
મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચ-અલકારાઝ ટકરાશે
બીજી તરફ 14 જુલાઈના રોજ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સર્બિયાના નોવાક જોકોવિચનો મુકાબલો ત્રીજો ક્રમાંકિત સ્પેનના કાર્લોસ અલ્કારાજ સામે થશે. સેમિફાઇનલ મેચમાં બીજા ક્રમાંકિત નોવાક જોકોવિચે 25મા ક્રમાંકિત ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને સીધા સેટમાં 6-4, 7,6 (2), 6-4થી હરાવ્યો હતો. જ્યારે અલ્કારાઝે સેમિફાઇનલ મેચમાં રશિયાના ડેનિલ મેદવેદેવને 6-7, 6-3, 6-4, 6-4થી હરાવ્યો હતો. અલ્કારાઝે ગયા વર્ષે નોવાક જોકોવિચને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે જોકોવિચ સેન્ટર કોર્ટ પર હારનો બદલો લેવાનું લક્ષ્ય રાખશે.