અમદાવાદ: શહેરમાં પહેલેથીજ ટ્રફિકની તેમજ પાર્કિગની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, એવામાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બાપુનગરમાં ભીડભંજન રોડ પર AMC દ્વાર કોન્ટાક્ટને પાર્કિગ ચાર્જ વસુલ કરવાનો પરવાનો આપતાં સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા છે. જ્યારે ભીડભંજન રોડ ઉપર આશરે 200થી વધુ દુકાનો આવેલી છે. આ તમામ દુકાનના વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું છે.
વેપારીઓ સાથે સ્થાનિક કોર્પોરેટરે પણ કર્યો વિરોધ
બાપુનગરનો ભીડભંજન રોડ ટ્રાફિકથી ભરચક રેતો હોય છે. એવામાં AMC દ્વારા કોન્ટાક્ટને ગાડીઓ પાર્કિગ કરી રકમ વસુલવાનો પરવાનો આપતાં સ્થાનિક વેપારીઓમાં આજે દુકાનો બંધ કરીને ભરચક વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટનું કહેવું છે કે, ‘ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે અને અહીંયા જો પે એન્ડ પાર્કિંગ કરવામાં આવશે તો વધારે ટ્રાફિકની સમસ્યા થશે અને લોકોનો વિરોધ થશે’.
પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતાં થયો વિરોધ:
ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર આવેલી દુકાનોની આસપાસ ક્યાંય પણ પે એન્ડ પાર્કિંગ નથી. ત્યાં વાહન પાર્કિંગ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓ રોડ ઉપર જ વાહન મૂકે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા હવે આવા રોડ ઉપર વાહન પાર્કિંગ કરનારા સામે પૈસા ઉઘરાવવાનું શરૂ કરતાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વ્રજ સિક્યુરિટી એન્ડ પાવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે પાર્કિંગના પૈસા માટેની જે ચિઠ્ઠી આપવામાં આવી રહી છે તેમાં કોન્ટ્રાક્ટરનો ક્યાંય પણ મોબાઈલ નંબર લખવામાં આવ્યો નથી. ત્યાં કોઈપણ સમય લખવામાં આવતો નથી. આમ કોન્ટ્રાક્ટરને માત્ર પૈસા ઉઘરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરવાનો આપી દીધો હોય તેવું લાગતાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પાટણમાં નાયબ મામલતદાર રુ. 5 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા