19 નવેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ


ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશનના સભ્યો 19 નવેમ્બરે દેશવ્યાપી હડતાલ પાડવાના હોવાથી તે દિવસે સમગ્ર દેશમાં બેન્કિંગ સેવાઓને અસર થશે. બેન્ક કર્મચારીઓની આ હડતાલ વિવિધ બેન્ક યુનિયનોમાં સક્રિય હોય તેવા કર્મચારીઓની કરાતી હેરાનગતિના વિરોધમાં છે.
AIBEAના મહામંત્રી સી. એચ. વેંકટચલમે જણાવ્યું કે તાજેતરના ભૂતકાળમાં યુનિયનોમાં સક્રિય બેન્ક કર્મચારીઓને નિશાન બનાવવાનું પ્રમાણ વધ્યું છે. તેથી અમે દેશવ્યાપી સ્તરે તેનો વિરોધ કરવા માટે 19 નવેમ્બરે એક દિવસની હડતાલ પર ઊતરવાનો નિર્ણય લીધો છે.
તેમણે એમ પણ કહ્યું કે ફેડરલ બેન્ક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, એમયુએફજી બેન્ક અને સોનાલી બેન્ક જેવી બેન્કોએ AIBEA યુનિયન લીડર્સની છટણી કરી છે. બેન્ક ઑફ મહારાષ્ટ્ર જેવી સરકારી બેન્કો ટ્રેડ યુનિયન રાઇટ્સથી વંચિત રાખી રહી છે જ્યારે કેનરા બેન્ક, બેન્ક ઑફ ઇન્ડિયા, બેન્ક ઑફ બરોડા અને આઇડીબીઆઇ બેન્ક ઘણી બેન્કિંગ પ્રવૃત્તિઓનું આઉટસોર્સિંગ કરી રહી છે.
સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયામાં તો મેનેજમેન્ટ યુનિયનમાં સક્રિય કર્મચારીઓની આડેધડ બદલીઓ કરતું હોવાથી જંગલરાજની સ્થિતિ છે. 3,300 ક્લેરિકલ સ્ટાફની બદલી કરાઇ છે. દેશવ્યાપી હડતાલ પહેલાં AIBEAના સભ્યો વિવિધ પ્રકારે દેખાવો કરશે.