નેધરલેન્ડ સામે બાંગ્લાદેશની 9 રને રોમાંચક જીત : એકરમેનની અડધી સદી એળે ગઈ
પહેલા જ રાઉન્ડમાં એશિયા કપમાંથી બહાર થઈ ગયેલ બાંગ્લાદેશે ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. આજે બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે 9 રને જીત હાંસલ કરી છે. હોબાર્ટ મેદાન પર રમાયેલી પ્રથમ મેચમાં બાંગ્લાદેશે પહેલી બેટિંગ કરતાં 8 વિકેટે 144 રન બનાવ્યાં હતાં, જેનાં જવાબમાં નેધરલેન્ડ તેનાં લક્ષ્યનો પીછો કરતાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બાંગ્લાદેશે તરફથી પ્લેયર ઓફ ધ મેચ રહેલાં તસ્કીન અહેમદે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશની પ્રથમ જીત
અહીં બાંગ્લાદેશની પ્રથમ જીત છે. ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહી હતી. જ્યારે નેધરલેન્ડની આ બીજી હાર છે. છેલ્લી મેચમાં તેને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડે પહેલા રાઉન્ડમાં UAE અને નામિબિયાને હરાવીને સુપર-12માં પ્રવેશ કર્યો હતો.
નેધરલેન્ડનો ટોપ ઓર્ડર નિષ્ફળ
145 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. તેણે શૂન્યના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ વિકેટ ઝડપી બોલર તસ્કીન અહેમદે લીધી હતી. તેણે ઓપનર વિક્રમજીત સિંહને યાસિર અલીના હાથે કેચ કરાવ્યો. બીજા જ બોલમાં તસ્કીને લીડને પણ શૂન્ય પર પહોંચાડી દીધી હતી. ટીમને ત્રીજો ફટકો ઓ’ડાઉડ ના રૂપમાં લાગ્યો હતો.
નેધરલેન્ડ તરફથી સૌથી વધુ રન કોલિન એકરમેને બનાવ્યાં હતાં. એકરમેને 48 બોલમાં 62 રન બનાવ્યાં હતાં. એકરમેને ઇનિંગ્સને સંભાળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેને બીજા છેડેથી કોઈ સમર્થન મળ્યું ન હતું. નેધરલેન્ડ ટીમના આઠ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તસ્કીન ઉપરાંત હસન મહમૂદે બે, શાકિબ અલ હસન અને સૌમ્યા સરકારે એક-એક વિકેટ લીધી હતી.