અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધનું કેન્દ્ર બન્યું બાંગ્લાદેશ, જાણો આખી વિગત
બાંગ્લાદેશ અચાનક અમેરિકા અને રશિયા વચ્ચેના શબ્દ યુદ્ધનું કેન્દ્ર બની ગયું છે. બાંગ્લાદેશના ઘરેલુ મુદ્દામાં ઢાકામાં બંને દેશોના દૂતાવાસોની દખલને લઈને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ 14 ડિસેમ્બરે શરૂ થયો હતો જે આજ સુધી અટક્યો નથી. 14 ડિસેમ્બરે ઢાકા ખાતેના યુએસ રાજદૂતે વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના ગુમ થયેલા નેતાના ઘરે મુલાકાત લીધી હતી. આરોપ છે કે BNP નેતાને 2013માં બળજબરીથી ગાયબ કરવામાં આવ્યા હતા. ત્યારથી તે પોતાના ઘરે પરત ફર્યા ન હતા. આ સમગ્ર સમયગાળા દરમિયાન, બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીના વાઝેદની આગેવાની હેઠળની અવામી લીગનું શાસન હતું. અમેરિકાએ હવે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું અમેરીકા અને રશિયાએ ?
ઢાકામાં યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે આ મુદ્દો બાંગ્લાદેશ સરકાર સાથે ઉચ્ચ સ્તરે ઉઠાવ્યો છે. તેમજ વોશિંગ્ટનમાં બાંગ્લાદેશની એમ્બેસી સામે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. યુએસ એમ્બેસીએ કહ્યું કે તે “તમામ માનવાધિકાર ઉલ્લંઘનોને ખૂબ જ ગંભીરતાથી લે છે.” દૂતાવાસે કહ્યું કે તે માનવ અધિકાર સંગઠનો સાથે સતત સંપર્કમાં છે. દૂતાવાસની આ પહેલ પર રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકી દૂતાવાસની આ ગતિવિધિએ અન્ય દેશોના આંતરિક મામલામાં દખલ ન કરવાના અમેરિકન દાવાને ઉજાગર કરી દીધો છે. રશિયન એમ્બેસીએ એક નિવેદનમાં કહ્યું- ‘બાંગ્લાદેશ જેવા દેશો તેમની વિદેશ અને આંતરિક નીતિ અન્ય કોઈ દેશના નિર્દેશો અનુસાર નહીં, પરંતુ તેમના રાષ્ટ્રીય હિતોને પૂર્ણ કરવા માટે નક્કી કરે છે.’ રશિયન દૂતાવાસે 20 ડિસેમ્બરે આ નિવેદન બહાર પાડ્યું હતું.
શાબ્દિક ટપાટપીમાં યુક્રેનનો મુદ્દો પણ ઉઠ્યો
બીજા જ દિવસે યુએસ એમ્બેસીએ રશિયન નિવેદનનો જવાબ આપ્યો. તેમણે એક નિવેદનમાં કહ્યું- ‘શું રશિયાની આ વાત યુક્રેન પર પણ લાગુ પડે છે?’ તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેનમાં શરૂ કરાયેલા રશિયાના વિશેષ સૈન્ય અભિયાનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. વિશ્લેષકોના મતે, આ બંને દેશો વચ્ચેનો આ મુકાબલો નિર્ણાયક તબક્કે ઉભરી આવ્યો છે. BNPએ તાજેતરમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકાર વિરુદ્ધ મોટા જાહેર પ્રદર્શનો યોજ્યા છે. દરમિયાન, આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાની દોડમાં સામેલ બંને દેશોએ બાંગ્લાદેશને તેમના મુકાબલોનું સ્થળ બનાવ્યું છે. બાંગ્લાદેશ માટે અમેરિકા મુખ્ય વેપારી ભાગીદાર હોવાથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અગાઉ રશિયા બાંગ્લાદેશ માટે એટલું મહત્વનું નહોતું, પરંતુ તાજેતરમાં બાંગ્લાદેશે તેમાંથી સસ્તા દરે ક્રૂડ ઓઈલ મેળવવાની પહેલ કરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા અને રશિયા બંને બાંગ્લાદેશની આ મુશ્કેલ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માનવાધિકારના નામે અમેરીકાનો જુદા જુદા દેશોના ઘરેલુ મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ
અમેરિકાની ઈલિનોઈસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર અલી રિયાઝે NikkaiAsia.com વેબસાઈટને જણાવ્યું – ‘બાંગ્લાદેશમાં જોવા મળેલું શબ્દોનું યુદ્ધ વિશ્વ શક્તિઓની સ્પર્ધાનું પરિણામ છે. આનાથી બાંગ્લાદેશની વિદેશ નીતિ સામે પડકાર ઊભો થયો છે. જો કે, આ વિકાસની અસર સ્થાનિક રાજકારણ પર પણ પડશે. આ દરમિયાન, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું છે કે અમેરિકાએ બાંગ્લાદેશમાં તે વારંવાર કર્યું છે. માનવાધિકારના નામે તે જુદા જુદા દેશોના ઘરેલુ મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે છે. ઝખારોવાએ કહ્યું કે બ્રિટન અને જર્મનીના દૂતાવાસો પણ સમાન ભૂમિકા ભજવે છે.