બાંગ્લાદેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને સરકારે વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ગઈકાલે રાત્રે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 51.7 ટકાનો વધારો ઝીકવામાં આવ્યો છે. દેશના ઈતિહાસમાં ઈંધણની કિંમતમાં આ સૌથી મોટો વધારો કહેવામાં આવી રહ્યો છે. પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર આ બેવડો માર છે.
બાંગ્લાદેશમાં આર્થિક સંકટ
ગત રાત્રે 12:00 વાગ્યાથી અમલમાં આવેલા નવા ભાવો અનુસાર એક લિટર ઓક્ટેનની કિંમત હવે 135 ટાકા થઈ ગઈ છે. જે અગાઉના 89 ટાકાના દર કરતાં 51.7 ટકા વધુ છે. હવે બાંગ્લાદેશમાં એક લીટર પેટ્રોલની કિંમત હવે 130 ટાકા છે. એટલે કે ગઈ રાતથી તેમાં 44 ટાકા અથવા 51.1 ટકાનો વધારો થયો છે.
મંત્રાલયે શું કહ્યું?
ઉર્જા અને ખનિજ સંસાધન મંત્રાલયે ઈંધણના ભાવમાં વધારાને લઈને એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC)ને નીચા ભાવે ઈંધણ વેચવાને કારણે ફેબ્રુઆરી અને જુલાઈ વચ્ચે 8,014.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મંત્રાલયની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતમાં વધારાને કારણે ભારત સહિત ઘણા દેશો આ નિર્ણય લઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશે કેમ વધાર્યો ભાવ?
બાંગ્લાદેશ તેના વિદેશી મુદ્રા ભંડારને વધારવાના પ્રયાસો વચ્ચે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી $2 બિલિયનની માંગ કરી રહ્યું છે. બાંગ્લાદેશનું $416 બિલિયન અર્થતંત્ર વર્ષોથી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહ્યું છે. પરંતુ રુસો-યુક્રેન યુદ્ધને કારણે ઉર્જા અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ તેનું આયાત બિલ અને ચાલુ ખાતાની ખાધમાં વધારો કર્યો છે.
રિપોર્ટમાં તેનાથી સંબંધિત લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકારે ADB અને વર્લ્ડ બેંકને પત્ર લખીને $1 બિલિયનની માંગ કરી છે. તે જ સમયે ગયા અઠવાડિયે જ IMFએ કહ્યું હતું કે તે બાંગ્લાદેશની લોન મેળવવાની વિનંતી પર ચર્ચા કરશે. બાંગ્લાદેશી મીડિયાએ થોડા દિવસો પહેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે દેશને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી $4.5 બિલિયન જોઈએ છે. જેમાં બજેટરી અને બેલેન્સ ઓફ પેમેન્ટ સપોર્ટનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ ચીન પછી વિશ્વનો નંબર 2 નિકાસકાર છે. ફેશન બ્રાન્ડ ટોમી હિલફિગરની કંપની PVH કોર્પ અને Inditex SA ના ઝારા સપ્લાયર પ્લુમી ફેશન લિમિટેડને જુલાઈમાં નવા ઓર્ડર મળ્યા હતા, જે ગયા વર્ષ કરતાં 20% ઓછા હતા.