વર્લ્ડવિશેષ

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ થશે દેવાળિયું ! બાંગ્લાદેશ પાસે માત્ર પાંચ મહિના જેટલો જ ખજાનો

Text To Speech

શ્રીલંકા બાદ હવે એશિયાના વધુ એક દેશ પર આર્થિક સંકટ ઘેરાઈ રહ્યું છે. બાંગ્લાદેશ પર આર્થિક સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. બાંગ્લાદેશના ચલણમાં ધરખમ ઘટાડો થયો છે અને વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ 42 બિલિયન ડૉલરથી પણ ઓછો થઈ ગયો છે. જેથી હવે માત્ર પાંચ મહિના સુધી આયાત કરી શકાય તેટલું જ હૂંડિયામણ બાંગ્લાદેશ પાસે વધ્યું છે. બાંગ્લાદેશ સરકાર દ્વારા એવા પ્રોજેક્ટો પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જેના માટે વધુ માત્રામાં વિદેશમાંથી ચીજ-વસ્તુઓની આયાત કરવાની જરૂરિયાત હોય.

શ્રીલંકા બાદ બાંગ્લાદેશ પર આર્થિક સંકટ

શ્રીલંકા બાદ બાંગ્લાદેશ પર આર્થિક સંકટ
મહત્વનું છે કે, શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણના ભંડારમાં પડેલી ખોટના કારણે આર્થિક સંકટ વધુ ઘેરાયું હતું. શ્રીલંકાના ચલણમાં પણ ભારે કડાકો થવાના કારણે જોત-જોતામાં વિદેશી હૂંડિયામણ પણ પૂરું થવા લાગ્યું હતું ત્યારબાદ, ચીજ-વસ્તુઓની આયાત કરવું મુશ્કેલ બની ગયું હતું. દેશમાં સ્થિતિ એવી થઈ હતી કે, જરૂરી ચીજ-વસ્તુઓના અભાવના કારણે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સરકાર સામે મોરચો માંડ્યો. ત્યારે, હવે બાંગ્લાદેશમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ ઉભી થવાનો ખતરો જોવા મળી રહ્યો છે. કેટલાક નિષ્ણાંતો મુજબ, રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે બાંગ્લાદેશના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. તેના જ કારણે ચીજ-વસ્તુઓની કિંમતોમાં પણ વધારો થયો છે.

અમારે આકરા નિર્ણયો લેવા પડ્યા-નાણામંત્રી
બાંગ્લાદેશના વિદેશી હૂંડિયામણમાં ઘટાડાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે સરકારે લક્ઝરી અને બિનજરૂરી ચીજ-વસ્તુઓની આયાત પર રોક લગાવેલી છે. સરકારે વોશિંગ મશીન, સ્પોર્ટ્સ યુટિલિટ વ્હીકલ, એર કંડીશન અને રેફ્રજરેટરની આયાત પર રોક લગાવી છે. બાંગ્લાદેશના નાણામંત્રી એએચએમ મુસ્તફા કમાલે કહ્યું કે, જયારે સમયે કપરો હોય છે, તો અમારે આકરા નિર્ણયો લેવા પડે છે. યુક્રેન-રશિયાના યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એ વાતની આપણને ખબર નથી. વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારે આવા નિર્ણયો લેવા પડી રહ્યા છે. જો કે, અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, જો સરકારે વહેલી તકે પગલા લીધા હોત તો, દેશની સ્થિતિ આવી રીતે કથળી ન હોત.

જાન્યુઆરી બાદ બાંગ્લાદેશની સ્થિતિ કથળી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જાન્યુઆરી બાદ જ દેશની આર્થિક સ્થિતિ કથળવાનું શરૂ થઈ ગયું હતું. વિદેશમાંથી બાંગ્લાદેશી નાગરિકો દ્વારા મોકલવામાં આવેલા નાણામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટ છેલ્લા વર્ષના જુલાઈ મહિનાથી શરૂ થઈ. ત્યારે, આયાત વધતી ગઈ. દેશમાં ફેબ્રુઆરીમાં સ્થિતિ એટલી હદે બગડી ગઈ કે, જ્યારે બાંગ્લાદેશમાં આયાત માટે માત્ર છ મહિના સુધી ચાલે તેટલા જ રૂપિયા વધ્યા હતા. એ પછી જ આ સંકટ વધુ ઘેરુ બની રહ્યું છે. અહીંયા નોંધવા જેવી વાત એ છે કે, બાંગ્લાદેશના ટકાની વેલ્યૂ દિવસે-દિવસે ઘટતી જઈ રહી છે.

Back to top button