બાંગ્લાદેશ કિન્નાખોરી પર ઉતરી આવ્યું, ઈસ્કોનના સચિવ ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો
- બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ
- બાંગ્લાદેશમાં બળવા પછી સતત હિંદુઓને બનાવવામાં આવી રહ્યા છે નિશાન
નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2024 : બાંગ્લાદેશમાં ઇસ્કોન જૂથના અગ્રણી ચહેરાઓમાંના એક ચિન્મય દાસ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ચિન્મય દાસ બ્રહ્મચારી સહિત 19 હિંદુ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ ચિત્તગોંગ જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો છે. ચિન્મય દાસ પર 25 ઓક્ટોબરે ચિત્તાગોંગમાં યોજાયેલી રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. ચટગાંવ પોલીસે આરોપ લગાવ્યો છે કે પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ચિન્મય દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશમાં ઈસ્કોન ટ્રસ્ટના સેક્રેટરી છે અને હિંદુઓ પર થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે સતત રેલીઓ અને પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા છે.
બાંગ્લાદેશ સરકારે પગલાં લીધાં
બાંગ્લાદેશ સરકારે ચિન્મય દાસ વિરુદ્ધ દેશદ્રોહ અને ષડયંત્રનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે. ચિન્મય દાસે જણાવ્યું કે રેલીના દિવસે કેટલાક લોકોએ ચંદ્ર અને તારાના ધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચંદ્ર અને તારાનો ધ્વજ બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ નથી.
બાંગ્લાદેશમાં હિંદુઓ નિશાના પર..!
બાંગ્લાદેશમાં બળવા પછી ત્યાંના હિંદુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંની હિંદુ વસ્તી પર વિવિધ પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે. 28 ઓક્ટોબરે બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લામાં 11મા ધોરણના હિંદુ વિદ્યાર્થી હૃદય પાલ પર મોબ લિંચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી હૃદય પાલની ધરપકડ કરવામાં આવી હતી. મોબ લિંચિંગનો જે વિડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે કેવી રીતે આર્મીના જવાનો હૃદય પાલની ધરપકડ કરી રહ્યા છે અને રસ્તામાં જ તેને માર મારી રહ્યા છે.
આ પણ વાંચો : કેનેડામાં અપરાધી ટોળકી અંગે પોલીસે જ ખોલી જસ્ટિન ટ્રુડોની પોલ! ભારત કનેક્શન વિશે પોલીસ વડાએ શું કહ્યું?