ઉત્તર ગુજરાત

ગૌશાળા પાંજરાપોળોને સહાય ના ચૂકવતા બનાસકાંઠા સજ્જડ બંધ

Text To Speech

પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને રૂ.500 કરોડની સહાયની જાહેરાત કર્યાના છ માસ થયા બાદ પણ સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા રાજ્યભરમાં ગૌ માતાઓના લાભાર્થે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ડીસા, પાલનપુર, શિહોરી, કાંકરેજ, થરાદ, લાખણી, આસેડા સહિત તમામ શહેરો અને ગામોએ સજ્જડ બંધ પાળ્યો હતો અને બંધના એલાનને સમર્થન આપ્યું હતું.

ડીસાના તમામ વેપારી એસોસિયેશન બંધમાં જોડાયા

મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા ડીસા સજ્જડ બંધ રહ્યું છે. અહીંના સાઈબાબા મંદિર, બગીચા, ફુવારા, જુના બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન વિસ્તાર, ચોરાયા બજાર, શાકમાર્કેટ,રિસાલા બજાર, લાયન્સ હોલ, અંબિકા નગર સહિતના તમામ વિસ્તારોની નાની મોટી તમામ દુકાનોના દુકાનદારો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બંધના એલાનમાં જોડાયા હતા. જ્યારે સરકારે જાહેર કરેલી સહાયની માંગણીને લઈને રીસાલા બજાર ચોકમાંથી ગૌ પ્રેમીઓની રેલી નીકળનાર છે. અને ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવનાર છે.

શિહોરી, કાંકરેજ, થરાદ, લાખણી, પાલનપુર પણ બંધ

અત્રે નોંધનીય છે કે, કોરોના મહામારી બાદ રાજ્યભરમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા અબોલ જીવો માટે દાનનો પ્રવાહ ઘટી જતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને પશુઓની નિભાવણી મુશ્કેલ ભરી બની ગઈ હતી. જેમાં સરકારે આ વર્ષે બજેટમાં ગૌશાળા પાંજરાપોળ ને સહાય કરવા રૂપિયા 500 કરોડની જોગવાઈ કરી હતી. જોકે છ માસ બાદ હજુ પણ સરકારે સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. ગૌશાળા પાંજરાપોળ સંચાલકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સતત સરકારનું ધ્યાન દોરી રહ્યા છે તેમ છતાં સરકારના પેટનું પાણી ન હલતા હવે રાજ્યભરની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગૌમાતાઓના લાભાર્થે 21 સપ્ટેમ્બરે બંધનું એલાન આપ્યું હતું.જેને બનાસકાંઠાના વેપારી મથક ગણાતા ડીસા સહિત અન્ય શહેરોના મોટા ભાગના વેપારી એસોસિએશનએ બંધને ટેકો જાહેર કર્યો છે. તે ઉપરાંત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો એ પણ બંધને પોતાનું સમર્થન આપતા બનાસકાંઠા સજ્જડ બંધ રહ્યું છે.

પાંથાવાડામાં ગૌસેવકની અટકાયત કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં ગૌ સહાય ન મળતા તેના વિરોધમાં અપાયેલા બંધના એલાનના પગલે રાજસ્થાન બોર્ડરના અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં પણ લોકોએ સજ્જડ બંધ પાળ્યો હતો. જ્યાં ગૌ સેવકોએ ન્યાય માટે રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગૌસેવક રોનકભાઈ ઠક્કરની પાંથાવાડા પોલીસ દ્વારા અટકાયત કરી તેમને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં શેરપુર દૂધ મંડળી સહિત દૂધની મંડળીઓમાં પશુપાલકોએ આજે (બુધવારે) સવારે દૂધ ભરાવ્યું ન હતું. જેના કારણે દૂધ મંડળીઓમાં દૂધ એકત્ર થયું ન હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સમર્થનમાં ડીસા શહેર જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ બંધના એલાનને પ્રતિભાવ મળી રહ્યો છે.

ગૌશાળા પાંજરાપોળો- humdekhengenews

Back to top button