ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસ ઉજવાશે

પાલનપુર: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘‘યોગ વિદ્યા’’ ને વશ્વ ફલક ઉપર લાવવા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69 મી સામાન્ય સભા સમક્ષ ‘‘21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વરા મંજુર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તા. 21 જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની G-20 ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “વસુધૈવ કુટુંમ્બકમ માટે યોગ” હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે 21 જૂન-2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોગ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે-6:00 કલાકે રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાશે. આ ઉપરાંત વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આઇકોનિક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી કરાશે તથા જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર અને તમામ તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી થનાર છે.

જિલ્લાની શાળાઓ અને સંસ્થાઓમાં યોગનું આયોજન

બનાસકાંઠા જિલ્લાના નગરપાલિકા વિસ્તારોમાં પાલનપુર ખાતે નગરપાલિકા ટાઉનહોલ પાસે, ફાયર સ્ટેશનની બાજુમાં, ડીસા ખાતે આદર્શ સ્કૂલ, ધાનેરા ખાતે ડી. બી. પારેખ હાઈસ્કૂલ, ભાભરમાં ખાડિયા મેદાન સિટી, થરામાં ઓગડ વિદ્યામંદિર, થરાદમાં ગાયત્રી વિદ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. એવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના તમામ 14 તાલુકાઓમાં તાલુકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે.

પાલનપુર તાલુકામાં ગઢ વિમળા વિદ્યાલય, દાંતા તાલુકામાં સરભવાનસિંહ હાઇસ્કૂલ, ડીસા તાલુકામાં જી. જી. સંકુલ શાળા કાંટ, અમીરગઢ તાલુકમાં મોર્ડન હાઈસ્કૂલ જુની રોહ, વડગામમાં વી.જે.પટેલ વિદ્યાલય, ધાનેરા તાલુકામાં વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા, થરાદ ગાયત્રી વિદ્યાલય, દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી, ભાભર ખાડિયા પ્લે ગ્રાઉન્ડ, દિયોદર વી. કે. વાઘેલા હાઇસ્કૂલ, વાવ વિનય મંદિર હાઇસ્કૂલ, સૂઈગામ મહર્ષિ કર્ણવ વિદ્યાલય, લાખણી તાલુકામાં સરસ્વતી હાઇસ્કૂલ અને કાંકરેજ તાલુકામાં એમ.વી.વાલાણી હાઇસ્કૂલ, શિહોરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, નગરજનો અને મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુરની જિલ્લા જેલમાં પરિવર્તન ગ્રુપ દ્વારા સતત સાત વર્ષથી યોગ શિબિરનું કરાય છે આયોજન

Back to top button