બનાસકાંઠા : ડીસામાં સમલૈંગિક સંબંધની માન્યતા સામે મહિલાઓનો વિરોધ
- હિન્દૂ સંસ્કૃતિને ટકાવવા પ્રકૃતિ વિરુદ્ધનો કાયદો નહીં બનાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
પાલનપુર : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સમલૈંગિક લગ્નની ચર્ચા મામલે ડીસામાં મહિલાઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ માટે આવા સંબંધને માન્યતા ન આપવા માટે સરકાર અને ન્યાય પ્રણાલીને નમ્ર વિનંતી કરી હતી.
અત્યારે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં સમલૈંગિક સંબંધોને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં આપણા દેશમાં પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિચારણા ચાલી રહી છે. ત્યારે આવા સમલૈંગિક સંબંધોને માન્યતા ન મળે તે માટે ડીસામાં મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. ત્યારે આવા સંબંધને માન્યતા આપશે તો ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં માનનારા લોકોની આસ્થા પર મોટી અસર પહોંચશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારમાં વિવાહ એ 12મો સંસ્કાર છે. તેનું સંરક્ષણ અને સુરક્ષા કરવી તે આપણી બધાની જવાબદારી છે. આ પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય છે. આપણા રાષ્ટ્રમાં હજુ પશુઓ પણ પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય કરતા નથી. તો આપણે આ જે પ્રકૃતિ વિરૂદ્ધનું કૃત્ય કરવા જઈ રહ્યા છીએ અને સમાજમાં આવા કાયદાઓ બનશે, તો આપણા શાસ્ત્રોમાં આપેલા સંસ્કારોની જે વાતો છે. તે પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ નું શું? માટે આવા કાયદાઓ ન બનવા જોઈએ તે માટે અમારી સરકાર અને સુપ્રીમ કોર્ટને નમ્ર વિનંતી છે. અમને પૂરો વિશ્વાસ છે કે હિન્દુ સંસ્કૃતિને ટકાવવા માટે તેઓ અમને સહયોગ કરશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : જગાણા પાસેથી સબસીડી યુક્ત યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 300 કટ્ટા ખાતર કર્યું કબજે