બનાસકાંઠા : હવે જામી રહ્યો છે શિયાળો


- ગુલાબી ઠંડીનો અહેસાસ, તાપણાંનો સહારો
પાલનપુર : શિયાળાના આગમન બાદ હવે ધીમે ધીમે બનાસકાંઠામાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. શિયાળાની ગુલાબી ઠંડીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો થતાં ડીસા સહિત બનાસકાંઠાના લોકો ઠંડીમાં રક્ષણ મેળવવા માટે વહેલી સવારે તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.જ્યારે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધું હોવાથી લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનાં ચાલુ કરી દીધાં છે. બીજી બાજુ ગરમ કાપડના વસ્ત્રો બજારમાં ઠેર-ઠેર દુકાનોમાં જોવા મળી રહ્યા છે. તિબેટીયન લોકોએ પણ ડીસા શહેરમાં સ્ટોલ ઉભા કર્યા છે, અને ગરમ કાપડોના ઢગલા ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે.
આ વખતે શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાનાં કારણે લોકો તાપણાં અને ગરમ કાપડનો ઉપયોગ વધુ કરતા જોવા મળશે. જ્યારે શિયાળામાં મેવાના બજારમાં પણ ઘરાકી નીકળી છે. લોકો વિવિધ પ્રકારના પાક બનાવવા તેની ખરીદી કરતા જોવા મળે છે. જ્યારે યુવાનો અહીંના એરપોર્ટ રોડ ઉપર મોર્નિંગ વોકમાં નીકળે છે. જ્યાં આંબળા, ગાજર, બીટ ના જ્યુસ ની મજા માણે છે. છેલ્લા બે દિવસમાં ડીસાનું લઘુત્તમ તાપમાન ઘટીને શનિવારે 13.9 ડિગ્રી સેલ્સિયસ પહોચ્યું છે. ડીસામાં હાલ બટાટાનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે. જેના માટે વધુ ઠંડી અનુકૂળ રહે છે. સતત ઠંડી પડશે તો બટાટાનું ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો : ‘મધર ઓફ ડેમોક્રેસી…’ બંધારણ દિવસ નિમિત્તે PM મોદીનું સંબોધન