ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ભડથ ગામે પતિના આડા સંબંધના કારણે પત્નીનો આપઘાત

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના ભડથ ગામે પતિ પોતાના કુટુંબની એક મહિલા સાથે આડો સંબંધ રાખતો હોવાથી પત્નીએ કંટાળીને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મરણ જનાર મહિલાના પિતાએ તેણીના પતિ, આડો સંબંધ રાખનાર મહિલા સહિત ત્રણ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પતિ કુટુંબની જ એક મહિલા સાથે આડા સંબંધ રાખતા હતા

આ અંગેની વિગત એવી છે કે મૂળ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામના દિવાનજી અનારજી પરમાર (ઠાકોર )ની દીકરી ફુલીબેન ના લગ્ન ડીસા તાલુકાના ભડથ ગામના રમેશજી દુદાજી વાઘેલા સાથે 15 વર્ષ અગાઉ થયેલા હતા. તેઓને ત્રણ સંતાન છે. છેલ્લા ઘણા સમયથી રમેશજી તેમના કુટુંબની એક મહિલા સાથે આડો સંબંધ રાખતા હોવાની જાણ ફુલીબેનને થઈ હતી. જે અંગે ફુલીબેને અવારનવાર તેમના પતિને આ બાબતે રોક્યા હતા તેમજ સમાજમાં સારું ન લાગે તેમ જણાવતા તેમના પતિ તેઓની મારઝુડ પણ કરતા હતા. જેથી એકાદ વર્ષ અગાઉ આ બાબતે ફુલીબેને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

મહિલા-humdekhengenews

જે સમયે ફુલીબેનના પીયરીયાઓએ જમાઈ રમેશજી ઠાકોર અને તેમની કુટુંબની બહેન અમથુબેન બંનેને સમજાવી હવે પછી સંબંધ નહીં રાખવા જણાવ્યું હતું.જો કે તેમ છતાં તેઓના આડા સંબંધ ચાલુ રહેતા આખરે કંટાળીને ફૂલીબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાબતે ફુલીબેન ના પિતા દીવાનજી પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે ફુલીબેનના પતિ રમેશજી ઠાકોર, અમથુબેન ઠાકોર તેમજ અમથુબેન ના પિતા રાજાજી અગરાજી ઠાકોર સામે ગુનો નોંધાવતા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગુજરાત: વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

Back to top button