બનાસકાંઠા : નવ બેઠક પર કયા જાણીતા ચહેરાઓ એ કરી દાવેદારી..? જાણો…
પાલનપુર : આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જેમાં 1 અથવા 2 નવેમ્બરના રોજ ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. તે રીતે જોઈએ, તો બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે જિલ્લાની કુલ નવ બેઠકો માટે ભાજપના નિરીક્ષકો માં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, સાંસદ જશવંત ભાભોર અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલે સેન્સ મેળવ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો પર થી કુલ 260 થી વધુ દાવેદારોએ પોતાના દાવા રજૂ કર્યા હતા. આ નવ બેઠકો ઉપર કયા જાણીતા ચહેરાઓ દાવેદારી કરી રહ્યા છે… તે જોઈએ.
વાવ : બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકને પ્રતિષ્ઠા ભરી બેઠક તરીકે જોવામાં આવી રહી છે. અહીંયા થી ચૂંટાઈને રાજ્યના મંત્રી રહી ચૂકેલા શંકરભાઈ ચૌધરી એક વખત જીત્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. હવે અહીંયા સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે. જેની વચ્ચે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાવના રાજવી ગજેન્દ્રસિંહ રાણા, અમથુંજી ઠાકોર સહિત અન્ય બે લોકોએ દાવેદારી નોંધાવી છે.
થરાદ : થરાદ બેઠક માટે 20 મુદ્દા અમલીકરણ સમિતિના પૂર્વ ચેરમેન માવજીભાઈ ચતરાભાઈ પટેલ, વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલ, પટેલ જીવરાજભાઈ જગતાભાઈ અને ચૌધરી બાબરાભાઈ નરસંગભાઈએ દાવેદારી કરી છે.
દાંતા : દાંતા બેઠક ઉપર દાવેદારી માટે પણ રાફડો ફાટ્યો છે. અહીંયાથી 17 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપના અગ્રણી માધુભાઈ રાણા તેમજ સ્થાનિક ઉમેદવારની માંગણી કરી ચૂકેલા લાધુ પારગી અને ઘણા સમયથી દાંતા મતવિસ્તારમાં સક્રિય રીતે રહીને આદિવાસી વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે વ્યસ્ત રહેતા હેમરાજ રાણાએ ઉમેદવારી નોંધાવી છે.
દિયોદર : દિયોદર બેઠક માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પાટણના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગસ્થ લીલાધર વાઘેલાના પુત્ર દિલીપસિંહ લીલાધર વાઘેલા, દિલીપસિંહ માનસિંહ વાઘેલા અને કાંતિલાલ પ્રભુજી પઢીયાર (માળી) સહિત 30 જેટલા લોકોએ પોતાની દાવેદારી રજૂ કરી છે.
કાંકરેજ : કાંકરેજ બેઠક માટે ભાજપના અગ્રણી અને થરા માર્કેટ યાર્ડના ચેરમેન પટેલ અણદાભાઈરામાભાઈ, પૂર્વ ધારાસભ્ય દેસાઈ બાબુભાઈ જેસંગભાઈ, સોઢા સુખદેવસિંહ તખતસિંહ સહિત 18 જેટલા લોકો પોતાની દાવેદારી કરી રહ્યા છે.
ડીસા બેઠક માટે જૂથવાદ બહાર આવ્યો
ડીસા બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે. આ બેઠક માટે દાવેદારી કરવા માટે શક્તિ પ્રદર્શન પણ થયું હતું. વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જ્યારે આ બેઠક ઉપર અગાઉના સંગઠન અને સત્તા વચ્ચેની જૂથબંધી ખૂલીને બહાર આવી હતી. જોકે આ વાતનો નિરીક્ષકો ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ નિરીક્ષકો સમક્ષ રજૂઆત થવા પામી હતી.
આ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના બંને પુત્રો દિલીપસિંહ અને મુકેશસિંહ બંનેએ દાવેદારી કરી છે. જ્યારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ દવે, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનભાઈ નારણભાઈ સોલંકી, ઠાકોર આગેવાન લેબજી ઠાકોર, સાઘ્વી નિર્મલ પૂરીજી, ભડથના બહાદુરસિંહ વાઘેલા, મહિલા આયોગના પૂર્વ સભ્ય ડો. રાજુલબેન દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ડો. અવની આલ, ડીસા નગરપાલિકાના વર્તમાન ચેરમેન રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર અને પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન દેવેન્દ્રકુમાર માળી સહિત 52 જેટલા ઉમેદવારોએ પોતાના દાવા રજૂ કર્યા છે.
વડગામ : વડગામ બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વિજય ચક્રવર્તી, ચીમનલાલ સોલંકી અને પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ આચાર્ય સહિત કુલ 26 જેટલા લોકોએ દાવેદારી રજૂ કરી છે.
ધાનેરા : ધાનેરા બેઠક માટે 22 દાવેદારોએ પોતાના દાવા રજૂ કર્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન ભગવાન પટેલ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઈ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પરથીભાઇ ચૌધરી અને ગૌપાલક વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન ડો. સંજય દેસાઈએ દાવેદારી નોંધાવી છે.
પાલનપુર : પાલનપુર બેઠક ઉપર જિલ્લાની નવ બેઠક પૈકી સૌથી વધુ એટલે કે 80 થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ અને તેમની દીકરી પતંજલિ પ્રજાપતિ, મગરવાડા મંદિરના યતિ વિજય સોમજી મહારાજ સાહેબ, લાલજી પ્રજાપતિ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કુમુદબેન જોશી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. કે. એસ. મોગરા, ભાસ્કર ઠાકર, પૂર્વ પાલિકા પ્રમુખ હેતલબેન રાવલ અને અશોકભાઈ ઠાકોર, યુજીવીસીએલના નિવૃત્ત ચીફ એન્જિનિયર લાલસિંહ ગઢવી સહિત પૂર્વ કોર્પોરેટર, ઉદ્યોગપતિ અને બિલ્ડરોએ પણ પાલનપુરની આ બેઠક માટે ઉમેદવારી કરવા માટે દાવેદારી કરવામાં રસ દાખવ્યો છે.
આગામી દિવસોમાં પાર્લામેન્ટ્રી બોર્ડ
ગુજરાતની 182 બેઠકો માટે ભાજપ પક્ષ દ્વારા સેન્સ મેળવીને સમગ્ર યાદી જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. જેમાં આગામી 4 અને 5 નવેમ્બરના રોજ મળનારી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ યાદી મૂકવામાં આવશે. જ્યાં નામો ઉપર ચર્ચા -વિચારણા થશે.
આ પણ વાંચો : રાજ્યમાં મેડીકલ, એન્જિનિયરિંગ થી લઈ MBA/MCA હવે ગુજરાતીમાં ભણી શકાશે