બનાસકાંઠા: ડીસાના ગુગળથી શેરપુરા જવાના માર્ગ પર પાણી ભરાતા પાંચ ગામનો રસ્તો બંધ
પાલનપુર: ડીસા તાલુકાના ગુગળથી શેરપુરા જવાના માર્ગ પર બનાવેલા નાળાને આજુબાજુના ખેડૂતોએ પૂરી દેતા રોડ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે ધુણસોલ, કોટડા, પેછડાલ અને ખેરોલા સહિત 5 ગામને જોડતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક નાળા ખુલ્લા કરાવવાની માગ કરી છે.
ખેડૂતોએ નાળા બંધ કરી દેતા રસ્તા પર વરસાદી પાણી ભરાયું
ડીસા તાલુકાના ગુગળથી શેરપુરા જવા માટેનો એકમાત્ર માર્ગ આવેલો છે, પરંતુ આ માર્ગ પર સામાન્ય વરસાદમાં જ બબ્બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનોને મોટી મુશ્કેલી વેઠવી પડે છે. સરકાર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આ માર્ગ પર મોટા નાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ આજુબાજુના કેટલાક ખેડૂતોએ નાળા પુરી દેતા હવે વરસાદનું પાણી રોડ પર ભરાઈ રહે છે.
જેથી ચોમાસા દરમિયાન આ માર્ગ બંધ જેવો થઈ જાય છે અને આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્થાનિક લોકોની માગ છે કે, તાત્કાલિક આ નાળા ખુલ્લા કરાવવામાં આવે તો પાણીનો ભરાવો ન થાય અને અહીંથી પસાર થતા લોકોની મુશ્કેલી હલ થઈ જાય.
આ પણ વાંચો :રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી મળ્યું નવું જીવન, બે માસના બાળકની જન્મજાત હ્રદયની બીમારી થઈ દૂર
આજે સ્થાનિક આગેવાન જામાભાઈ દેસાઈ સહિત લોકોએ જણાવ્યું હતું કે, ગુગળથી શેરપુરાને જોડતા માર્ગ પર સરકારે પાણીના નિકાલ માટે નાળા બનાવ્યા છે, પરંતુ સ્થાનિક ખેડૂતોએ નાળા પુરી દેતા હવે ચોમાસાનું પાણી ખેતરોમાંથી રોડ પર ભરાઈ રહે છે. જેથી રોડ પરથી લોકો પસાર થઈ શકતા નથી. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નાળા ખુલ્લા કરાવવામાં આવે તેવી માગ કરી હતી.