બનાસકાંઠા :ડીસાના 281 મતદાન મથકોમાં કાલે થશે મતદાન
- 294382 મતદારો મતદાન કરશે
પાલનપુર 6 મે 2024 : લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન કાલે હાથ ધરાનાર છે. ત્યારે સમગ્ર ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.જેમાં બનાસકાંઠા લોકસભા બેઠકની ડીસા વિધાનસભામાં પણ કુલ 2,94,382 મતદારો માટે 281 બુથની વ્યવસ્થા કરાઈ છે.
બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી ડો.રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. ચૂંટણી તંત્ર દ્વાર મતદાનના દિવસ માટે જુદી જુદી વિધાનસભા બેઠક વિસ્તાર માંથી ઇવીએમ મશીન અને ચૂંટણી સાહિત્ય સાથે ચૂંટણી ફરજ પરના સ્ટાફને રવાના કર્યા હતા. ડીસા વિધાનસભા બેઠક ના ચૂંટણી સ્ટાફ માટેની વ્યવસ્થા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગોઠવવામાં આવી હતી. બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ 121 બિલ્ડિંગમાં 281 મતદાન મથક ( બુથ) ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ડીસામાં કુલ 70 મતદાન મથકો સંવેદનશીલ હોય આ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત બીએસએફ તેમજ પેરામીલેટરી ફોર્સ ના જવાનો પણ ઉપસ્થિત રહેશે. બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,94,382 મતદારો નોંધાયેલા છે જેમાં 1,54,097 પુરુષ મતદારો 1,45,278 મહિલા મતદારો તેમજ સાત મતદારો થર્ડ જેન્ડરના નોંધાયેલા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ ચૂંટણી કેવી રીતે અલગ છે? શું તમામ 26 બેઠક જીતવાની હેટ્રિક ભાજપ નહીં કરી શકે?