બનાસકાંઠા: ગ્રામજનો અને લીઝ ધારકોની સામસામે ફરિયાદ : ડીસામાં ગેરકાયદેસર ખોદકામના પગલે એસપી, મામલતદારની ટીમો તાલેપુરા પહોંચી
- ગેરકાયદેસર ખોદકામ સામે કાર્યવાહી કરવાની આપી ખાતરી
પાલનપુર : ડીસા તાલુકાના તાલેપુરા ગામે લીઝ હોલ્ડરો દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી દીધું હોવાની રજૂઆત ગ્રામજનોએ કરતા ભૂસ્તર વિભાગ, જિલ્લા પોલીસ વડા, મામલતદાર સહિતની ટીમોએ દોડી આવી તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર ખોદકામ થયું હશે તો કાર્યવાહી કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.
ડીસા તાલુકાના તાલેપુરા ગામે બેફામ દોડતા ડમ્પરોના કારણે અનેક અકસ્માતો સર્જાયેલા છે. તેમજ ગામની નજીક બનાસ નદીમાં આવેલી લીઝ દ્વારા ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી હતી. તાજેતરમાં લીઝ હોલ્ડરો દ્વારા ગૌચર જમીનમાં ખોદકામ કરાયું હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી. જેના પગલે આજે (શનિવારે) જિલ્લા પોલીસ વડા, મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની ટીમોએ આવી તપાસ હાથ ધરી હતી. જેમાં લીઝ હોલ્ડરોને બોલાવી સમજાવટ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોની રજૂઆતના પગલે તપાસ કરી ગેરકાયદેસર રીતે ખોદકામ થયું હશે તો કાયદેસર પગલાં લેવાની ગ્રામજનોને પણ ખાતરી આપી હતી.
અઠવાડિયા અગાઉ તાલેપુરા ગામના લોકોએ ગૌચરની જમીનમાંથી ચાલતા ડમ્પરો બંધ કરાવી દઇ હંગામો મચાવ્યો હતો. જે બાદ નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડમ્પર ચાલકો અને ગ્રામજનોએ સામસામે ફરિયાદો પણ કરી હતી. ત્યારે આજે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ આ ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ગ્રામજનો પણ શાંતિ રાખે અને લીઝ ધારકો પણ કાયદેસરની કામગીરી કરે તે માટે સમજાવ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા: અંબાજી નજીક ઘાટીમાં ટાઇલ્સ ભરેલા ટ્રેલરે પલટી મારી; જાનહાની ટળી