બનાસકાંઠા : ડીસામાં જન્માષ્ટમી નિમિત્તે વિહીપ દ્વારા શોભાયાત્રા યોજાઈ
- ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા
પાલનપુર, 26 ઓગષ્ટ : વિશ્વ હિન્દુ પરિષદ ની ષષ્ટિ પૂર્તિ નિમિત્તે ડીસામાં જન્માષ્ટમી પર્વે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
ડીસામાં જન્માષ્ટમી પર્વે સમગ્ર શહેરમાં ભક્તિ સભર માહોલ સર્જાયો હતો. જેમાં પ્રથમ વખત શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા જન્માષ્ટમી નિમિત્તે યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂરા થતા વિશ્વ હિન્દુ પરિષદની ષષ્ટિ પૂર્તિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
શોભાયાત્રા ડીસાના જુના રામજી મંદિરથી નીકળી રીસાલા ચોક, હીરા બજાર, મહારાણા પ્રતાપ ચોક,બગીચા સર્કલ થી ફુવારા સર્કલ, ભગવતી ચોક, લેખરાજ ચાર રસ્તા, ગાંધી ચોક થઈ પરત રામજી મંદિરે ફરી હતી.
રથયાત્રા દરમિયાન ઠેર ઠેર રસ્તામાં જે તે વિસ્તારના રહીશો તેમજ વેપારીઓ દ્વારા મટકીઓ બાંધવામાં આવી હતી જે રથયાત્રામાં આવેલા ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવી હતી.
ડીસા શહેરમાં અત્યાર સુધી અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા, રામ નવમી નિમિત્તે ભગવાન રામજીની શોભાયાત્રા તેમજ ભાદરવા સુદ અગિયારસના દિવસે જલઝીલણી યાત્રા, જલારામ જયંતીએ જલારામ બાપાની યાત્રા તેમજ પરશુરામ જયંતિએ પરશુરામ યાત્રા નીકળતી હતી.
જેમાં હવે જન્માષ્ટમીની શોભાયાત્રા પણ નીકળતા સમગ્ર શહેરમાં ભક્તિ સભર વાતાવરણ બની જવા પામ્યુ હતું.