ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : આગામી 30 મે થી એક માસ સુધી ભાજપ દ્વારા યોજાશે વિવિધ સંપર્ક કાર્યકમો

  • જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં દાંતીવાડા ખાતે ભાજપ કારોબારી બેઠક મળી
  • નવ સાલ બેમિસાલ” ના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન તૈયારી

પાલનપુર : દાંતીવાડા કૃષિ યુનર્વિસિટીના ઓડિટોરિયમ હોલમાં જિલ્લા ભાજપ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી સમયમાં કેન્દ્રીય અને રાજ્યસ્તરે લોકસભા અને વિધાનસભા વિસ્તારમાં મોટાપાયે સઘન લોકસંપર્ક કાર્યક્રમની ચર્ચા કરી 9 સાલ બેમિસાલના સૂત્ર સાથે જનસંપર્ક અભિયાન તૈયાર કરાયું છે, તેની માહિતી પત્રકારોને ભારતીય જનતાપાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારી બેઠક રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અઘ્યક્ષ સ્થાને અને જિલ્લા ભાજપના બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને પૂર્વ મંત્રી જયંતિભાઈ કાવડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.


જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં પોતાની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે મોટા પાયે કાર્યક્રમો યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહિનાની લાંબી કવાયત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી વરિષ્ઠ નેતાઓ દ્વારા 51 જાહેર સભાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેની વાતચીત સહિત એક લાખ પરિવારો સુધી પહોંચવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આ ડ્રાઈવ આગામી 30 મેથી શરૂ થવાની છે અને 30 જૂન સુધી ચાલશે. જેમાં જિલ્લા કક્ષાએ તમામ વિધાનસભા અને લોકસભાની ક્ષેત્રમાં આખો મહિનો વિવિધ કાર્યક્રમો યોજી ભાજપ સરકારની નવ વર્ષના સુશાસન અને વિકાસની વાત લોકોના ઘર સુધી પહોચાડશે.


ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નવ વર્ષના કાર્યકાળમાં ન ભૂતો ન ભવિષ્યતિ થઈ શકે તેવા વિકાસ કામો થયા છે. જેથી કેન્દ્ર અને પ્રદેશની સુચના મુજબ બનાસકાંઠામાં પણ આગામી 30 મે થી 30 જૂન સુધી વિવિધ સંપર્ક કાર્યકમો યોજાશે. આ કાર્યક્રમોમાં બૌદ્ધિકો, સોશિયલ મીડિયા પ્રભાવકો અને ઉદ્યોગપતિઓ સહિત સમાજના વિવિધ વર્ગો સાથે બેઠક યોજવાનો સમાવેશ થાય છે. જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્ર અને બે લોકસભા ક્ષેત્રમાં વિવિદ્ય કાર્યક્રમોના આયોજનની રૂપરેખા તૈયાર કરાઈ છે. જિલ્લો પીએમની નવ વર્ષની સિદ્ધિઓની ઉજવણી ઉત્સવ જેમ કરશે તેવું તેઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે અતિથીવિશેષ તરીકે જયંતીભાઈ કવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ પૂર્વ મંત્રી તથા બનાસકાંઠા પ્રભારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર છે, તે બાબતને ઈશ્વરના આશીર્વાદ અને ગુજરાતનું ગૌરવ ગણાવ્યા હતા. તેઓએ આગામી એક માસ સુધી બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં ભાજપ પદાધિકારીઓ તેમજ નિયુક્ત કાર્યકરો પીએમ મોદીના નવ વર્ષની સિદ્ધિઓને દરેક વિધાનસભા સીટ પર 250 ‘પ્રતિષ્ઠિત’ પરિવારોનો પાર્ટી કાર્યકર્તાઓ સંપર્ક કરશે અને સરકારની યોજનાઓ, સિદ્ધિઓને લોકો સમક્ષ મૂકશે.


આ કાર્યકમમાં ઉપસ્થિતિ જિલ્લા તેમજ મોરચાના કાર્યકરોને આઇટીના લાલગીરી ગોસ્વામીએ આધુનિક યુગમાં સોશીયલ મીડિયાની અગત્યતા સમજાવી હતી અને નમો એપ તેમજ સરલ એપ સાથે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મમાં જોડાઈ પાર્ટીના લોકસેવા અભિયાનને આગળ ધપાવવા અપીલ કરી હતી. જ્યારે સોશીયલ મીડિયાનાં જિલ્લા કન્વીનર આકાશભાઈ દરજીએ પણ ટેકનોલોજીના આ જમાનામાં દરેક રાજકીય પક્ષમાં આઇટી લગતાં જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું.

જિલ્લા કારોબારીની આ બેઠકમાં સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, પ્રભારી નંદાજી ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાસભાઈ પ્રજાપતિ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ઉપપ્રમુખ મગનલાલ માળી, વિવિધ જિલ્લા મોરચા તથા અન્ય મોરચાના પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના યુવાને અકસ્માતની ઘટનાઓ અટકાવવા સોંગ બનાવ્યું

Back to top button